ઘટસ્ફોટ@અમદાવાદ: EWS આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે મકાનો પચાવી પાડવાનું મોટું કૌભાંડ

 
કૌભાંડ

17 ફ્લેટ્સ પચાવી પાડ્યા, સામાન બહાર કાઢી પોલીસને જાણ કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલી EWS આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે મકાનો પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આવાસ યોજનાના બંધ પડેલા મકાનોના તાળા તોડીને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે કબજો જમાવી લેવામાં આવ્યો હોવાનો સળગતો આક્ષેપ થયો છે. આ મામલે ફરિયાદ ઉઠતાં જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.

અમદાવાદની એક EWS આવાસ યોજનામાં લાંબા સમયથી બંધ પડેલા અંદાજે 17 જેટલા મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક શખ્સોએ આ બંધ મકાનોના તાળા તોડીને તેના પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લીધો હતો. આ અંગેની સત્તાવાર ફરિયાદ મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

કોર્પોરેશને તાત્કાલિક અસરથી આ તમામ 17 મકાનો ખાલી કરાવવાની કડક સૂચના આપી દીધી છે. ગેરકાયદેસર રીતે રહેતા લોકોનો સામાન પણ મકાનોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો છે અને મકાનોને ફરીથી સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ મામલે AMC એ કાયદાકીય આકરા પગલાં લેતા જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.