ઘટસ્ફોટ@અમદાવાદ: PMJAYના લાખોના સર્જિકલ સાધનો બારોબાર વેચી દેવાતા મચી ચકચાર, જાણો વધું

 
ગેરરીતી
સમગ્ર આરોગ્ય ક્ષેત્રમાં ખળભળાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરની અગ્રણી એવી SVP હોસ્પિટલમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારની પ્રખ્યાત આયુષ્માન ભારત - PMJAY  અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવતા સર્જીકલ સાધનોની કાળી બજારી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અંદાજે રૂ. 39.78 લાખની માતબર કિંમતના સર્જીકલ સાધનો હોસ્પિટલમાંથી બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર આરોગ્ય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર કૌભાંડ હોસ્પિટલના ઉપરી અધિકારીઓની જાણ બહાર ખૂબ જ ચતુરાઈપૂર્વક આચરવામાં આવ્યું હતું. આ ગેરરીતિમાં હોસ્પિટલના 8 જેટલા તબીબો સીધી રીતે શંકાના દાયરામાં આવી ગયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દર્દીઓના નામ કે અન્ય વ્યક્તિઓના ઓળખ કાર્ડનો ગેરકાયદે દુરુપયોગ કરીને આ સાધનો મેળવવામાં આવ્યા હતા. એક તબીબ દ્વારા તો સત્તાવાર રીતે 90 જેટલા સર્જીકલ ડ્રેપ ઇશ્યૂ કર્યા હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે, જેનાથી આ કૌભાંડના તાર વધુ ઊંડા હોવાની આશંકા છે. આટલી મોટી માત્રામાં સરકારી યોજનાના સાધનો ગાયબ થઈ જવા છતાં અને કૌભાંડના પુરાવા સામે આવ્યા હોવા છતાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ જ કાયદેસર કે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલની આંતરિક વહીવટી વ્યવસ્થા અને સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિન્હો લાગ્યા છે. જવાબદાર તબીબો અને વહીવટી કર્મચારીઓ સામે વહેલી તકે કડક પગલાં લેવામાં નહીં આવે તો આ મામલો વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે.