ઘટસ્ફોટ@દેશ: ગુજરાતના સરહદી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાતા ખળભળાટ, 16ની ધરપકડ

 
કાર્યવાહી
આંતર રાજ્યોના 16 યુવક-યુવતીઓ ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા અતિસંવેદનશીલ વિસ્તારના વાવ શહેરમાં છેલ્લા છ માસથી દીપાસરા વિસ્તારના મકાનમાં ચાલતા ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની પ્રવૃતિનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ભુજ રેન્જ આઈ.જી અને સાઇબર સેલની ટીમે સંયુક્ત રીતે ભાડાના મકાનમાં બેરોકટોક ચાલતા કોલ સેન્ટરના સ્થળે રેડ કરી હતી. આંતર રાજ્યોની 16 યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. આ કોલ સેન્ટર માટે ભાડે આપેલું મકાન ભાજપના નેતાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વાવ શહેરમાં આવેલા દીપાસરા વિસ્તારમાં મકાન ભાડે રાખીને પરપ્રાંતિય શખ્સોએ અહીં ઈન્ટર નેશનલ કોલસેન્ટરની ગેરકાયદેસર પ્રવૃતિઓ શરૂ કરી હતી. ભારત અને પાકિસ્તાનની અતિ સંવેદનશીલ સરહદી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવી દેશની સુરક્ષાને દાવ પર લગાવી હતી. છેલ્લા છ એક માસથી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ગુરૂવારે મધ્ય રાત્રીએ ભુજ રેન્જ આઈ.જી તેમજ સાઇબર સેલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાવમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તીના સ્થળે ઓચિંતી રેડ કરી હતી. આ મકાનમાં કોલ સેન્ટરની પ્રવૃતિઓ આચરી રહેલા અન્ય રાજ્યોની 7 યુવતીઓ તેમજ 16 પરપ્રાંતિય શખ્સો પકડાઈ ગયા હતા.

આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા ઝડપાયેલા ભેજાબાજોની પુછપરછમાં તેમણે સોલાર પેનલનું કામ કરતાં હોવાના બહાના હેઠળ વાવના દીપાસરા વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યારબાદ અહીં આ લોકો ગેરકાયદેર રીતે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા. તપાસમાં સ્થાનિક વાવ પોલીસની ટીમ પણ જોડાઈ હતી. અદ્યતન સુવિધાવાળું મકાન, સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ મકાન પર 5 ટાવર લગાવેલા હોવાથી આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસની ટીમે કોલ સેન્ટરમાંથી 25 લેપટોપ, 30 મોબાઈલ, પ્રિન્ટર, ડેટા કેબલ, કેલ્યુલેટર, રાઉટર, કનેક્શન પોઈન્ટ, ટેબલેટ, રોકડ રકમ સહિત 8.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર મુખ્ય આરોપી એવા સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.