ઘટસ્ફોટ@દાહોદ: લોકપાલે મનરેગાની અરજીને ફાઈલે કરવા કસર ના છોડી, ડીડીઓએ સરકારના હિતમાં બાજી પલટી

 
દાહોદ
મનરેગાના 21 કામો સ્થળ ઉપર કર્યા વગર રૂપિયા 18.41લાખની ચૂકવણી કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ગામમાં મનરેગાના ભયંકર ભ્રષ્ટાચારની તપાસમાં કેવીરીતે શું થયું તે જાણી તમે ચોંકી તો જશો પરંતુ વિશ્વાસ ક્યાં કરવો તેવું વિચારતાં થશો. લવારીયા ગામમાં અનેક કામો સ્થળ ઉપર ના કરી માત્ર કાગળ ઉપર બતાવી સરકારને નાણાંકીય રીતે ચૂનો લગાવ્યો છતાં લોકપાલ નાયકને કોઈ ગેરરીતિ મળી નહિ. રીપોર્ટમાં એવું લખ્યું કે, આક્ષેપો છે એટલે અરજી ફાઇલે કરીએ છીએ પરંતુ તત્કાલીન બાહોશ ડીડીઓ પ્રામાણિક મહેનત કરીને કૌભાંડ બહાર લાવ્યા હતા. ડીઆરડીએ કચેરીમાં બેસતાં લોકપાલ નાયકની તપાસમાં કોઈ કૌભાંડ ના આવ્યું અને ડીઆરડીએ નિયામકની તાબા હેઠળની ટીમે ગેરરીતિ શોધી કાઢી. આ ગેરરીતિ નાની નહિ, ટેકનિકલ અને જીઆરએસ સસ્પેન્ડ થયા તેમજ ફોજદારી કાર્યવાહી થાય તેવો રીપોર્ટ તૈયાર થયો છે. લોકપાલે શું મનરેગા કૌભાંડની ફરિયાદને ફાઇલે કરવા ભલે કોઈ કસર ના છોડી પરંતુ ડીડીઓએ કેવીરીતે સરકારના હિતમાં બાજી પલટાવી તેનો રસપ્રદ સિલસિલો જાણીએ. 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામમાં ઢગલાબંધ કામો જમીન ઉપર ના કરીને ટોળકીએ કૌભાંડ કર્યાની અરજી થઈ હતી. આ અરજીને પગલે લોકપાલ નાયક પાસે તપાસ આવતાં તપાસ શરૂ તો કરી પરંતુ તે દરમ્યાન સ્થાનિક ઠેકેદાર સહિતની ટોળકીએ કૌભાંડ દબાવવા મહેનત શરૂ કરી હતી. ગામલોકોને એવું લાગ્યું કે, ગેરરીતિ દબાઇ જશે એટલે ગાંધીનગર સ્થિત કમિશ્નર ચંદ્રા મેડમને રૂબરૂ મુલાકાત કરી ફરિયાદ કરી હતી. આથી ગ્રામ વિકાસ કમિશ્નર ચંદ્રા મેડમે દાહોદના તત્કાલીન ડીડીઓને તટસ્થ તપાસ માટે કહ્યું હતુ. આ દરમ્યાન તાલુકા, જિલ્લા સહિતની ટીમે પણ ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો ત્યારે 2 તપાસની રાહ જોવાઇ રહી હતી. તેમાં પ્રથમ લોકપાલ નાયકે તપાસ રીપોર્ટ આપી કહ્યું કે, ગેરરીતિ નથી, માત્ર આક્ષેપો છે. જોકે બાહોશ ડીડીઓની મહેનતે સૌથી મોટો ખુલાસો થયો કે, મનરેગાના 21 કામો સ્થળ ઉપર કર્યા વગર રૂપિયા 18.41લાખની ચૂકવણી કરી છે. વાંચો નીચેના ફકરામાં દાહોદથી ગાંધીનગર કેવી સ્થિતિ બની હતી.


સૂત્રોએ જણાવ્યું હતું કે, લવારીયા ગામના સ્થાનિક રાજકારણને પગલે મામલો દાહોદથી છેક ગાંધીનગર પહોંચી ગયો હતો. લોકપાલ નાયક પોતાના રીપોર્ટમાં કામો સ્થળ ઉપર હોવાનું કહે છે, બધાના નિવેદનો લખે છે, ગેરરીતિ નથી તેમ કહી આ અરજી ફાઇલે કરવા જણાવે છે. આ દરમ્યાન સમગ્ર બાબતે ગામલોકોને ગંધ આવતાં ડીડીઓ અને કમિશ્નરને વારંવાર રજૂઆતો કરી સરકારના હિતમાં કરવા ફરિયાદ ચાલુ રાખતાં તત્કાલીન ટીડીઓ દર્શનભાઈએ પણ પ્રામાણિક મહેનત કરી હતી. આ દરમ્યાન ફરિયાદી સહિતના ગ્રામજનોને મનાવવા પણ સ્થાનિક રાજકીય દોડધામ થઈ પરંતુ ડીડીઓ સમક્ષ આખરે રીપોર્ટ આવ્યો અને ગાંધીનગર સ્થિત કમિશ્નરે કાર્યવાહીની લીલીઝંડી પણ આપી દીધી ત્યારે 2 કરારી કર્મચારી નોકરીથી આઉટ થયા હતા. હવે આ રીપોર્ટથી લોકપાલ નાયકને કેમ આજસુધી ડીડીઓ, કમિશ્નર કે અધિક સચિવ સહિતનાએ કેમ ખુલાસો નથી પૂછ્યો તે સૌથી મોટો સવાલ છે. શું લોકપાલ નાયકની તપાસ સરકારના હિતમાં હતી તે પણ હવે વિચાર કરવા પ્રેરે છે ?