ઘટસ્ફોટ@નોકરી: બેરોજગારોને સરકારી કર્મચારી થવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા, રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્યું

 
Patan lcb
પાટણનો મુખ્ય સૂત્રધાર હોવાનો પોલીસનો દાવો, ઉત્તરપ્રદેશનો ઈસમ પણ ટોળકીમાં સામેલ 

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સરકારના વિવિધ વિભાગોમાં અવારનવાર આવતી ભરતી પ્રક્રિયામાં ખૂબ મોટીસંખ્યામાં અરજદારો આવતાં હોઈ અને જન માનસમાં સરકારી નોકરી મેળવવાની અતિ તમન્ના પારખી ઠગો વધી રહ્યા છે. પાટણ પોલીસની જાણકારી મળી કે, અનેક વ્યક્તિઓને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઇ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતની ટોળકી અને ઉત્તરપ્રદેશની એક વ્યક્તિ સહિતના ઈસમો રૂપિયા પડાવી છેતરપિંડી આચરી રહ્યા છે‌. આ બાબતની ઉંડાણપૂર્વકની તપાસને અંતે પાટણ પોલીસે એક ઈસમને પકડી જે ખુલાસો મેળવ્યો તે ચોંકાવનારો છે. રાજ્યવ્યાપી ઠગાઇનો કેસ ખુલતાં ધ્યાને આવ્યું કે કુલ 9 ઈસમોએ એકબીજાનાં મેળાપીપણામાં અત્યાર સુધી 12 વ્યક્તિ પાસેથી 79.50 લાખ પડાવી લીધા છે. વાંચો નીચેના ફકરામાં.

પાટણ એલસીબી પોલીસને ખાનગીરાહે બાતમી‌ મળી હતી કે, રવિકુમાર રમેશભાઇ પ્રજાપતિ (રહે.પાટણ) તેમજ તેના સાગરીતો પુર્વ આયોજીત કાવતરૂં રચી લોકોને સરકારના અલગ અલગ વિભાગમાં સરકારી નોકરી આપવાની ખોટી લાલચ આપી રહ્યા છે. આ લાલચમાં લોકો પાસેથી આ ઠગ ટોળકી મોટી રકમ પડાવી લેવાની આયોજનબધ્ધ ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે. આ બાતમી આધારે પાટણ પોલીસે ત્વરીત કાર્યવાહી કરવા સદર ઈસમ રવિ પ્રજાપતિની કડક પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી કે, રાજદાન ગઢવી તથા વિનોદ બાબુલાલ ગઢવી (રહે.ગાંધીનગર) તથા પ્રકાશભાઇ પંચાલ (રહે.ખેડા જિલ્લો) તથા રાજેશભાઇ સોલંકી (રહે પાટણ જિલ્લા) તથા મહાદેવભાઇ યોગી (રહે.પાટણ જિલ્લા)તથા આશીષ શાહુ રહે.ઉત્તરપ્રદેશવાળાઓ સાથે પકડાયેલ આરોપી રવિ પ્રજાપતિને ઓળખાણ તેમજ સંપર્ક હોઇ આ તમામ માણસો ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોને સરકારના અલગ અલગ વિભાગમાં સરકારી નોકરી આપવા પોતાને સેટીંગ હોવાનું કહે છે.

આવી રીતે લોકો સાથે વિશ્વાસ સંપાદન કરી તેઓની પાસેથી મોટી રકમ પડાવી તેમાં અત્યાર સુધી કુલ ૧૨ ભોગ બનનાર માણસો પાસેથી આજદીન સુધી ૭૯,૫૦,૦૦૦/-(ઓગણ્યા એંશી લાખ પચાસ હજાર) રૂપિયા મેળવી લીધા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ટોળકીના મુખ્ય સુત્રધાર એવા રવિકુમાર રમેશભાઈ પ્રજાપતિ (રહે.પાટણ)ને પકડી પાડી વધુ લોકોને ભોગ બનતા અટકાવી રાજ્ય વ્યાપી ઠગાઇના ગુનાનો પર્દાફાશ કરી તમામ આરોપીયો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ એલ.સી.બી પાટણ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) રાજદાન ગઢવી

(ર) વિનોદ બાબુલાલ ગઢવી (જિ.ગાંધીનગર)

(૩)પ્રકાશભાઇ પંચાલ રહે. (જી.ખેડા)

(૪) રાજેશભાઇ સોલંકી

(રહે. જિ.પાટણ)

(૫) મહાદેવભાઇ યોગી

(રહે. જિ.પાટણ)

(૬) આશીષ શાહુ રહે.ઉત્તરપ્રદેશ

(૭) પી.ડી.જાદવ

(૮) કલ્પેશભાઇ આચાર્ય રહે.પાટણ