ઘટસ્ફોટ@ગુજરાત: રાજકોટ અગ્નિકાંડમા મોટો ખુલાસો, 6 સામે નોંધાઈ FIR, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. TRP ગેમઝોન ના આ અગ્નિકાંડમાં 28 મૃતદેહો મળ્યા છે. તો બીજી બાજુ આ TRP ગેમઝોનના માલિક-સંચાલકો સામે FIR નોંધાઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ સામે IPC 304, 308, 337 ,338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ 6 આરોપીઓ સામે નોંધાઈ FIR
(1) ધવલભાઈ ભરતભાઈ ઠકકર
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
(3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા
(4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
(5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ.
રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે મૃતકોની માહિતી વિશે જણાવતા રાજકોટ AIIMSના ફોરેન્સિક મેડિસિન વિભાગના હેડ પ્રો.ડો.સંજય ગુપ્તાએ જણાવ્યું કે આગની ઘટનામાં 28 જેટલી ડેડબોડી મળી આવી છે, તેમાંથી 18 જેટલી બોડીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે.ગાંધીનગર ખાતે ડીએનએના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વિશેષ બેન્ચે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ પાસે ગેમઝોન મુદ્દે જવાબ માગ્યો છે. અને એક જ દિવસમાં ખુલાસા કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.