ઘટસ્ફોટ@પાટણ: ડીજીટલ લાઈબ્રેરી ખરીદીમાં ટેન્ડર છતાં ભાવો ના ઘટ્યા, વેપારમાં સેટિંગનો સ્પેશ્યલ રિપોર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાને આયોજન મંડળે આપેલી અનેક વહીવટી મંજૂરીઓ બાદ ખરીદીમાં મહાકૌભાંડની બૂમરાણ મચી છે. ક્રિડાંગણના સાધનો ખરીદવા ટેન્ડર થયું છતાં ખરીદનાર એવા ડીપીઈઓને નીચા ભાવો કેમ ના મળ્યા તે સૌથી મોટો સવાલ છે. ત્યારે હવે બીજી એક ખરીદીમાં પણ મહાકૌભાંડની આશંકા સામે આવી છે. 5 લાખની કિંમતની મર્યાદામાં ડીજીટલ લાઈબ્રેરી સેટ ખરીદીમાં પણ ભાવો નામ માત્રના ડાઉન મળ્યા હતા. જો એકથી વધુ એજન્સીઓ વચ્ચે ભાવોની સ્પર્ધા થાય છે તો કેમ 3-4હજાર જ ભાવ ઘટ્યા અથવા કોણે આ ખેલ કરીને ભાવો પણ ના ઘટે અને હરિફાઈ પણ સચવાઇ જાય તેવો કારસો રચ્યો હતો તે જાણીએ.
પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાએ નાણાંકીય વર્ષ 203-24 દરમ્યાન કુલ 12 પ્રાથમિક શાળાઓમાં રમતગમતના સાધનોમાં સરકારનું નાણાંકીય હીત જાળવવામાં બેદરકારી દાખવી છે. તેવી જ રીતે ડીજીટલ લાઈબ્રેરી સેટ ખરીદીમાં પણ કૌભાંડની દુર્ગંધ આવી છે. અમલીકરણ અધિકારી એવા ડીપીઇઓએ સાંતલપુર તાલુકાની કુલ 5 પ્રાથમિક શાળામાં કુલ 25 લાખની મર્યાદામાં ડીજીટલ લાઈબ્રેરી સેટ ફાળવવા ટેન્ડર પ્રક્રિયા કરી હતી. એક શાળામાં 5 લાખની મર્યાદામાં ડીજીટલ લાઈબ્રેરી સેટ એમ કુલ 5 શાળામાં 25 લાખના ટેન્ડરનો વર્ક ઓર્ડર પણ રમતગમતના સાધનોવાળી એજન્સીને મળ્યો હતો. રમતગમતના સાધનોની જેમ ડીજીટલ લાઈબ્રેરી સેટમાં પણ ભાવોની સ્પર્ધા નામ માત્રની હતી. ટેન્ડરમાં ત્રણથી ચાર વેપારીઓ આવ્યા છતાં એક ડીજીટલ લાઈબ્રેરી સેટ રૂ.4.96 લાખની કિંમતે ડીપીઇઓ કચેરીએ ખરીદ્યો હતો. વાંચો નીચેના ફકરામાં મહા કૌભાંડ કેવીરીતે અને તેના સુત્રધારો કોણ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રમતગમતના જે સાધનો ખરીદવા એક કીટની મહત્તમ 5 લાખની કિંમત સામે હરીફ એજન્સીઓ 3 લાખ સુધી નીચા ભાવે વેચાણ કરે તોય નફો મેળવી શકે. હવે આ રમતગમતના સાધનોની જેમ ડીજીટલ લાઈબ્રેરી સેટ પણ સરેરાશ 3 લાખ સુધી કોઈ એજન્સી આપે તોય નફો છે. આથી જો ટેકનિકલ ચકાસણી બાદ હકીકતમાં સરકારના હિતમાં પારદર્શક રીતે રિવર્સ ઓક્શન થયું હોત તો સરેરાશ 3 લાખ સુધી ભાવો નીચા આવી શક્યા હોત. બંને ટેન્ડરમાં ટેકનિકલ એટલે કે ડોક્યુમેન્ટ્સ ચકાસણી બાદ 3થી 4 એજન્સીઓ વચ્ચે ટેન્ડર લેવા હરિફાઈ હતી તો કેમ કોઈ એજન્સીએ 3થી4 હજાર સિવાય વધારે ભાવો ના ઘટાડ્યા? હવે આવું ક્યારે અને કેવી રીતે બને તે પણ જાણી લો એટલે આખુય ચિત્ર સમજાઇ જશે. તમામ એજન્સીને કોઈ એક એજન્ટ ઓપરેટ કરે તેવા કિસ્સામાં ઈરાદાપૂર્વક ભાવોની હરિફાઈમાં ભાગ નથી લેવાતો. જો દરેક એજન્સી અલગ અલગ હોય તો ઓછા નફે પણ વેપાર કરવા ટેન્ડર લેવા ભાવ નીચા કરે.
અહીં એક બીજી બાબત પણ સમજવા જેવી છે કે, જે એજન્સીને રમતગમતના 59 લાખથી વધુનો અને ડીજીટલ લાઈબ્રેરી સેટનો 24 લાખથી વધુનો ઠેકો મળ્યો તે એજન્સી કોઈ મોટો શો રૂમ કે બ્રાન્ડેડ/નામી કંપની નથી. સિધ્ધપુરની કોઈ શેરી, મહોલ્લામાં જીએસટી નંબર ધરાવતી અને ટેન્ડર લેવા/ટેન્ડરથી વેપાર કરવા કરેલી એજન્સી છે. હવે એ પણ સ્પષ્ટ કરીએ કે, એજન્સી કોઈપણ હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શક રીતે હરીફાઈ ના થઈ અને ભાવો આશાસ્પદ મુજબ ના ઘટ્યા તેની તપાસ થાય તો મહા કૌભાંડનો અસલી ખેલ ઉઘાડો પડે તેમ છે.
હાલમાં પણ 75 લાખનું એક ટેન્ડર ચાલુ છે ત્યારે ચેતી જાઓ આયોજનવાળા
પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાએ વધુ એક 75 લાખનું ટેન્ડર બહાર પાડેલું છે. આ ટેન્ડરમાં સરકારનું નાણાંકીય હીત જળવાઈ રહે તે જોવાની જવાબદારી જિલ્લા આયોજન મંડળની પણ છે ત્યારે અમારી પણ બારીકાઇથી નજર છે કે, સરેરાશ 2 લાખમાં એક યુનિટ આપી શકાય તેવી વસ્તુનો 5 લાખમાં વેપાર કરવાનું ષડયંત્ર કરે છે કે કેમ તે ટૂંક સમયમાં ખબર પડશે.