ઘટસ્ફોટ@રાજપીપળા: વિકાસશીલની કરોડોની ગ્રાન્ટ સાધનો લેવામાં ખર્ચી, વેપાર થયાની બૂમ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નર્મદા જિલ્લામાં રાજ્ય કેન્દ્રની કરોડોની ગ્રાન્ટ આવતી હોઈ લાભાર્થીઓ કરતાં કચેરીમાં વેપારીઓના આંટાફેરા વધારે રહે છે. આ વેપારીઓને સામેથી આવકારવામાં આવે છે કે પછી એકબીજાને જરૂરીયાત છે તે સૌથી મોટો સવાલ છે પરંતુ એક ઘટસ્ફોટ સામે આવ્યો તે ચોંકાવનારો છે. ગત નાણાંકીય વર્ષ દરમ્યાન જિલ્લા આયોજનની વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટ કરોડોના સાધનો લેવામાં ખર્ચ કરી દેવાઇ હતી. આ બાબતે સવાલો ઉભા થયા કે, વિકાસશીલની ગ્રાન્ટ ગામોમાં રસ્તા, નાળાં, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા જેવી પાયાની વ્યવસ્થા માટે છે છતાં સત્તાધિકારી અને વેપારીના મેળાપીપણામાં મોટો વેપાર થઈ ગયો હતો. આ વેપારમાં ટકાવારીનો ખેલ એવો થયો કે, વિકાસશીલની ગ્રાન્ટ જાણે વહીવટ માટે જ વાપરવાની હોય. જાણીએ સમગ્ર અહેવાલ.
નર્મદા જિલ્લામાં આદીવાસી વર્ગ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વર્ષે દહાડે કરોડોની ગ્રાન્ટ અલગ અલગ વિભાગ મારફતે ફાળવે છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાયેબલની, ન્યૂગુજરાત પેટર્નની, આરોગ્ય વિભાગની, નાણાંપંચની, ધારાસભ્ય, સાંસદની ગ્રાન્ટ થકી આરોગ્ય અને સુખાકારી માટે સાધનો ખરીદી, બાંધકામ થાય છે. હવે આ તરફ જિલ્લા આયોજનની વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટથી બે ગામને જોડતાં રસ્તા, નાળાં, નવીન અથવા રીપેર કરવા, કમ્પાઉન્ડ વોલ, ગટર વ્યવસ્થા જેવી પાયાની વ્યવસ્થા માટે પ્રાથમિકતા આપવાની છતાં નર્મદા જિલ્લામાં ચોંકાવનારુ થઈ ગયુ હતુ. વર્ષ 2021-22 દરમ્યાન તત્કાલીન સત્તાધિકારી અને 2 વેપારીએ ભેગા મળીને વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટથી આરોગ્યના સાધનો ખરીદી લીધા હતા. કામની પ્રાથમિકતા બદલી, હેતુ ફેર અને જેતે જગ્યાએથી માંગણીનુ હકીકતલક્ષી પ્રમાણ વિગેરેનો છેદ ઊડાવી દીધો હતો. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નવસારી અને ગોધરાના વેપારી સાથે તત્કાલીન સત્તાધિકારીએ મળીને આ સમગ્ર ખરીદીકાંડ બનાવ્યો હતો. આ ગ્રાન્ટના ખર્ચમાં આવતાં દિગ્ગજ સત્તાધીશોએ પણ આરોગ્યના સાધનો ખરીદી કરવા/કરાવવા કોઈ ક્રોસિંગ કર્યું નહિ અને વેપારીઓ મારફતે હાલે ધૂળ ખાય તેવા સાધનો ખરીદી લીધા હતા. જાણકારોના મતે, જો આ વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટના સદર નાણાંકીય વર્ષની ખરીદીના સમગ્ર વિષયમાં ઉંડાણપૂર્વકની તપાસ થાય તો નર્મદા જિલ્લાનો સૌથી મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. કેમ કે ખરીદીમાં ટકાવારીનો આંકડો પણ ક્યારેક કોઈએ ના આપ્યો હોય/ના લીધો હોય તેવો સોદાબાજીમાં થયો હતો તેવી બૂમરાણ છે.