ઘટસ્ફોટ@દિલ્હી: કેજરીવાલની પત્ની સુનિતાએ દારુ કૌભાંડના પૈસાને લઈને ખુલાસો કર્યો,ખરેખર આવું થયું?

 
સુનિતા કેજરીવાલ
તેમની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દારૂ કૌભાંડમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. કેજરીવાલ પર દારુ કૌભાંડના સૂત્રધાર હોવાનો આરોપ છે ત્યારે હવે કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે દારુ કૌભાંડના પૈસાને લઈને ખુલાસો કર્યો છે. સુનીતા કેજરીવાલે કહ્યું છે કે ગુરુવારે તેમનો પતિ કોર્ટને જણાવશે કે દિલ્હી દારૂ કૌભાંડના પૈસા ક્યાં લાગેલા છે. તેઓએ બે દિવસ પહેલા જ જળ મંત્રી આતિશીને લોકોની ગટરની સમસ્યા હલ કરવાનો સંદેશ મોકલ્યો હતો, તેમણે શું ખોટું કર્યું.સુનીતાએ કહ્યું કે, તેઓ ખૂબ જ દુખી છે કે આ આદેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

તેમણે દાવો કર્યો હતો કે, આ કહેવાતા દારૂ કૌભાંડનો એક પૈસો પણ કોઇ દરોડામાં મળ્યો નથી.સુનિતા કેજરીવાલે કહ્યું, "આ કહેવાતા દારૂ કૌભાંડના આ પૈસા ક્યાં છે? અરવિંદજીએ કહ્યું છે કે તેઓ 28 માર્ચે કોર્ટ સમક્ષ આ વાતનો ખુલાસો કરશે, આખા દેશને સત્ય જણાવશે અને તેના પુરાવા પણ આપશે. અરવિંદજી સૌથી નિષ્ઠાવાન, દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે. તેમણે કહ્યું છે કે મારું શરીર જેલમાં છે પરંતુ આત્મા તમારા બધાની વચ્ચે છે. તમારી આંખો બંધ કરજો ત્યારે તમે મને તમારી આજુબાજુ મહેસુસ કરી શકશો.

દિલ્હી સીએમ કાર્યાલય દ્વારા એવું જણાવાયું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ છે અને તેમનું શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું છે. ડૉક્ટરોનું કહેવું છે કે શુગર લેવલ આટલું નીચું જવું ખૂબ જોખમી છે.દિલ્હી ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. વીકે સક્સેનાએ કહ્યું કે હું દિલ્હીના લોકોને ભરોસો આપવા માગું છું કે કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી નહીં મળે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી દારૂ કૌભાંડમાં તેની ભૂમિકાની તપાસ માટે રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યો હતો. તેમની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી.