રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ગ્રામીણ માર્ગોના નવસર્જન માટે ₹2609 કરોડ મંજૂર

 
ભુપેન્દ્ર પટેલ
આ પગલું ગામડાઓને વધુ સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ગુજરાતના માર્ગોની ગુણવત્તા સુધારવા અને કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના કુલ 4196 કિલોમીટર લંબાઈના 1258 રસ્તાઓના રિસરફેસિંગ અને સમારકામ માટે 2,609 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોને બારેમાસ ઉપયોગમાં લઈ શકાય તેવા અને મજબૂત માર્ગોની સુવિધા પ્રાપ્ત થશે. જેના પરિણામે ગામડાઓનું આર્થિક અને સામાજિક જીવન વધુ સુગમ બનશે. આ પ્રોજેક્ટ્સને ત્રણ મુખ્ય ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. જેથી સમગ્ર રાજ્યના ગામડાઓનો સમાન વિકાસ સુનિશ્ચિત થઈ શકે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક સુધારવા માટે એક દૂરોગામી નિર્ણય લીધો છે. લાંબા સમયથી જનપ્રતિનિધિઓ અને નાગરિકો તરફથી ગામડાઓમાં બારેમાસ ચાલુ રહે તેવા, ટકાઉ અને સુગમ માર્ગોની માંગ હતી. આ માંગને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ રાજ્યભરના ગ્રામીણ માર્ગોને સશક્ત બનાવવા માટે ₹2,609 કરોડની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે. આ ભંડોળનો ઉપયોગ પંચાયત હેઠળ આવતા માર્ગોના રિસરફેસિંગ અને તેને સંબંધિત અન્ય કાર્યો માટે કરવામાં આવશે.

આ ભંડોળ દ્વારા કુલ 4196 કિલોમીટરના 1258 માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. આ પ્રૉજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોને શહેર અને મુખ્ય માર્ગો સાથે વધુ સારી રીતે જોડવાનો છે, જેનાથી વાહનવ્યવહાર સરળ બનશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.ઉત્તર ગુજરાતમાં 1609 કિલોમીટર લંબાઈના કુલ 487 માર્ગોના સમારકામ અને રિસરફેસિંગનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ પગલું ઉત્તર ગુજરાતના ગામડાઓને વધુ સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપશે. દક્ષિણ ગુજરાતમાં 1528 કિલોમીટરના 499 માર્ગોને નવીન સ્વરૂપ આપવામાં આવશે. ચોમાસામાં પણ સરળતાથી અવરજવર થઈ શકે તેવા ઓલ-વેધર રોડ અહીંના સ્થાનિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સૌરાષ્ટ્રના ગામડાઓને જોડતા 1059 કિલોમીટરના 272 ગ્રામીણ માર્ગોનું રિસરફેસિંગ કરવામાં આવશે. આનાથી સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો પણ રાજ્યના મુખ્ય આર્થિક કેન્દ્રો સાથે વધુ અસરકારક રીતે જોડાઈ શકશે.