રીપોર્ટ@ગુજરાત: ખેડા સહિત અન્ય 6 જિલ્લામાં 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર, 18 ફરિયાદો નોંધાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી ત્યાં 'નલ સે જલ' યોજનામાં પણ ગેરરીતી-ગોટાળા થયા છે તેવુ ખુદ સરકારે સ્વીકાર્યુ છે. ખેડા સહિત અન્ય છ જિલ્લામાં 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો છે જેની કુલ મળીને 18 ફરિયાદો નોંધાઈ છે. 'નલ સે જલ' યોજનામાં ગુજરાતે સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે. એટલુ જ નહીં, 91,18,415 ઘર સુધી નળમાં પાણી પહોચ્યું છે તેવો સરકારે દાવો કર્યો છે. પણ હકીકતમાં એવું થયું નથી. પછાત-આદિવાસી વિસ્તારોમાં નળ તો લગાડી દેવાયાં છે પણ હજુ શુદ્ધ પાણી પહોંચ્યું નથી.
વિધાનસભામાં એવી વિગતો રજૂ કરવામાં આવી છે કે, વર્ષ 2022, વર્ષ 2023 અને વર્ષ 2024માં બનાસકાંઠામાં 'નલ સે જલ' યોજના પાછળ 54.76 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ખેડામાં 26.05 કરોડ રૂપિયા, જૂનાગઢમાં 7 કરોડ રૂપિયા અને ગીર સોમનાથમાં 8.21 કરોડનો ખર્ચ કરાયો હતો. ટૂંકમાં, ચારેક જિલ્લામાં જ 96 કરોડનો ઘુમાડો કરાયો તેમ છતાંય હજુ સુધી લોકોને નળ વાટે શુદ્ધ પાણી મળી શક્યુ નથી. મનરેગા બાદ 'નલ સે જલ' યોજના પણ ભ્રષ્ટ અધિકારી અને મળતિયા કોન્ટ્રાક્ટર માટે મલાઇ તારવાની યોજના બની રહી હતી. કેમકે, આ યોજનામાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
બનાસકાંઠામાં 3, ખેડામાં 4, મહેસાણામાં 1, બોટાદમાં 3, ગીર સોમનાથમાં 5 અને જૂનાગઢ જિલ્લામાં 2 એમ કુલ મળીને 18 ફરિયાદો થઈ છે. આ ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે, 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે. હાલ તપાસના નામે બધુ ડિંડક ચાલી રહ્યુ છે. કેમ કે, જે રીતે મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રો સહિત અન્ય કસૂરવારો પણ જેલમાંથી છૂટી ગયા છે. આ જોતાં 'નલ સે જલ' યોજના કૌભાંડમાં પણ કોઈને ઉની આંચ આવે તેમ લાગતુ નથી. હકીકતમાં આ પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરાય તો રેલો અન્ય જિલ્લામાં પહોંચી શકે તેમ છે.