રિપોર્ટ@ગુજરાત: અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે, સરકારનો નિર્ણય

 
નિર્ણય
તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને મળશે લાભ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારે વરસાદ અને અતિવૃષ્ટિની પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. અતિવૃષ્ટિના કારણે જે ઘરો કે શાળાઓમાં વરસાદી પાણી ભરાવાથી બાળકોના પુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય, તેવા તમામ વિદ્યાર્થીઓને 'ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ' દ્વારા વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં આ નિર્ણાયક પગલું ભરવામાં આવ્યું છે.

આ પહેલનો મુખ્ય આશય અતિવૃષ્ટિથી પ્રભાવિત ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનો અભ્યાસ અટકે નહીં અને તેઓનું શિક્ષણ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ વિગતો આપતાં જણાવ્યું કે, અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની તમામ સરકારી અને અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાશે.

તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને નુકસાન પામેલા પુસ્તકોની સચોટ માહિતી મેળવીને મંડળને મોકલવાના આદેશ આપી દેવાયા છે. માગણી પત્રક મળતાં જ મંડળ દ્વારા શાળાઓ સુધી નવા પુસ્તકોનો જથ્થો ત્વરિત પહોંચાડવામાં આવશે.