લૂંટ@અમદાવાદ: વિદેશી મેડિકલના વિદ્યાર્થીને ડરાવી ધમકાવી પાસપોર્ટ, મોબાઈલ અને એટીએમ કાર્ડની કરી લૂંટ

 
અમદાવાદ લૂંટ

ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોલીસ કસ્ટડીમાં આવેલા ચારેય આરોપીઓના નામ  ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્પે વિસુ વાઘેલા છે. જેમના પર આરોપ લાગ્યો છે વિદ્યાર્થી પાસેથી પાર્સલના નામે લૂંટ ચલાવવાનો. આ બનાવની વાત કરીએ તો ફિલિપાઈન્સનો મેડીકલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરીએ ભારત આવ્યો હતો.

મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનું પાર્સલ લેવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે વાડજ ખાતે આ લૂંટારાઓએ યુવકને પાર્સલ લેવા આવ્યો છે, તેવું કહીને મારવાની ધમકી આપીને પાસપોર્ટ, મોબાઈલ અને એટીએમ કાર્ડની લૂંટ કરી હતી. ઘટનાની જાણ થતા વાડજ પોલીસે ફરિયાદીની હકિકત જાણતા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરતા ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો અને આ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીની ધરપકડ કરી છે.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે. જેમાથી મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયા છે.

આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે, આ લૂંટ કેસમાં આરોપીઓ નવાબનું પાર્સલ લેવા આવ્યા હોવાનું કહીને લૂંટને અંજામ આપ્યો હતો. જેથી લૂંટમાં નવાબની સંડોવણી છે કે નહીં, તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.