દુઃખદ@રાજકોટ: બાળકોના મોતને પગલે આજે વેપારીઓ બંધ પાડશે, આખા જિલ્લામાં શોક ફેલાયો

 
Rajkot
28 લોકોના મોત બાદ વહીવટીતંત્ર જાગ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા છે. આ કરૂણ અકસ્માતથી સમગ્ર શહેર જ નહીં પણ સમગ્ર રાજ્ય આઘાતમાં છે. ઘણા સંગઠનોએ આ ગેમિંગ ઝોનમાં આગમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કરવા માટે બંધની જાહેરાત કરી છે. આજે શહેરમાં અડધા દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ TRP ગેમિંગ ઝોનમાં શનિવારે સાંજે લગભગ પોણા છ વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વીકેન્ડ હોવાથી ઘણા બાળકો તેમના માતા-પિતા સાથે ક્વોલિટી ટાઈમ ગાળવા માટે ગેમિંગ ઝોનમાં ગયા હતા. 

આ આગના બનાવમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર CM ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ઘટનાના બીજા દિવસે તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે આગ વેલ્ડીંગના કામને કારણે લાગી હોઈ શકે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે કે તપાસ બાદ એફએસએલ ટીમ અને અધિકારીઓએ જણાવ્યું છે કે અહીં ફેબ્રિકેશનનું કામ પણ ચાલતું હતું, આ કારણે આગ લાગી હોવાની શક્યતા વધુ છે. બીજી તરફ પોલીસે ફાયર સેફ્ટીના સાધનો અંગે કહ્યું છે કે, આ લોકોએ ફાયર સેફ્ટી એનઓસી લીધી હોવા છતાં બિલ્ડિંગની અંદર કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી.

28 લોકોના મોત બાદ વહીવટીતંત્ર જાગ્યું હતું અને શહેરના બાકીના ગેમિંગ ઝોનની તપાસ કરી હતી. શહેરમાં કુલ 19 ગેમિંગ ઝોન છે, જેમાંથી 15માં ખામીઓ જોવા મળી હતી અને તે હાલમાં બંધ કરી દેવામાં આવી છે. બાકીના 4ને વહીવટીતંત્રે પહેલેથી જ બંધ કરી દીધું છે. સરકારના પરિપત્ર બાદ બાકીના ગેમિંગ ઝોનને ફરીથી ખોલવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.ગેમિંગ ઝોનમાં આગ લાગવાના કિસ્સામાં પોલીસે IPCની કલમ 304,308,337,338,114 હેઠળ ગુનો નોંધ્યો છે. ધવલ કોર્પોરેશન અને રેસવે એન્ટરપ્રાઇઝ નામની કંપની બનાવીને TRP ગેમ ઝોનની સ્થાપના કરવામાં આવી હતી. 

પોલીસે કહ્યું છે કે TRP ગેમિંગ ઝોન આયર્ન એંગલ અને ગેલ્વેનાઈઝ્ડ શીટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તેમાં એસી વેન્ટ લગાવવામાં આવ્યા હતા અને ઘણી જગ્યાએ ભારે વીજ વાયરો નાખવામાં આવ્યા હતા. ગેમિંગ ઝોનની અંદર ક્યાંય પણ અગ્નિશામક સાધનો ન હતા જેનો ઉપયોગ કટોકટીના કિસ્સામાં થઈ શકે. મૃતકના પરિજનોએ આરોપ લગાવ્યો છે કે પોલીસ તેમને સંબંધીઓ વિશે કોઈ નક્કર માહિતી આપી રહી નથી. ઘણા લોકો હજુ પણ તેમના સ્વજનોના મૃતદેહોને લઈ જવા માટે ઉભા છે, પરંતુ મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.