દુઃખદ@રાજસ્થાન: રાજગઢમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં અકસ્માત સર્જાયો,13નાં મોત, 25 ઇજાગ્રસ્ત

 
એકસીડન્ટ

13 લોકોના અકાળે મોતના સમાચાર અત્યંત દુઃખદ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનના ઝાલાવાડથી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં લગ્નની જાન ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી રાત્રે લગભગ 9.30 વાગ્યે નજીક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રોલીની નીચે 35 લોકો દબાઇ ગયા હતા, જેમાંથી 13ના મોત થયા હતા. જેમાં ચાર બાળકો, પાંચ પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

ઇજાગ્રસ્તોને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે 15 ની રાજગઢ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ગામલોકો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના જવર પોલીસ સ્ટેશનના મોતીપુરા ગામથી ટ્રેક્ટર-ટ્રોલીમાં રાજગઢના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલમપુરા ગામ તરફ આવી રહ્યા હતા. રાત્રીના અંધારામાં ટ્રેક્ટર-ટ્રોલી રાજગઢ સીમમાં પહોંચતા જ કાબુ બહાર જઈ પીપલોદી પાસે રોડની બાજુમાં પલટી ગઈ હતી. કેટલાક લોકો અકસ્માતને લઈને ડ્રાઈવર પર નશામાં હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે.

અકસ્માત બાદ ચીસો સાંભળીને પસાર થતા લોકો અને આસપાસના ગ્રામજનોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તેમજ પીપલોદી પોલસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળેથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે સાતથી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અહીંથી ઘાયલ અને મૃતદેહોને અલગ-અલગ એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.અકસ્માત દરમિયાન, વરરાજા ટ્રોલીને બદલે આગળના ટ્રેક્ટર પર હતો, જેના કારણે તેને માથામાં સામાન્ય ઈજા થઈ હતી. બીજી તરફ દુલ્હનના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો.લગ્નની ખુશી ક્ષણભરમાં શોકમાં ફેરવાઈ ગઈ હતી.મુખ્યમંત્રી ડો. મોહન યાદવે કહ્યું કે ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાથી 13 લોકોના અકાળે મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. રાજ્યમંત્રી નારાયણ સિંહ પંવાર સાથે રાજગઢ કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે.