દુઃખદ@દમણ: આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડેલા 4 કિશોરો ડૂબ્યા, 3ના મોત, પરિજનોમાં શોકનો માહોલ

 
ઘટના
 રાજકીય અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દમણના આંટીયાવાડ વિસ્તારમાં હિંગળાજ તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. 7 જેટલા કિશોરો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા, જેમાંથી ત્રણના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. દમણના આંટીયાવાડ સાત બાળકો હિંગળાજ તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 ડૂબવા લાગ્યા.

નહાવા પડેલા 7 કિશોરોમાંથી 3 બાળકોએ બહાર આવીને મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકોને ડૂબતા જોઈ એક યુવકે તળાવમાં કૂદીને એક બાળકને સફળતાપૂર્વક બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખી હતી. કલાકોની સઘન શોધખોળ બાદ આખરે ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ દુર્ઘટનાને પગલે દમણના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. એક સાથે ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત થવાના કારણે પરિજનો અને સ્થાનિકોમાં શોકનો માહોલ છે.