અભ્યારણ્ય@ઘુડખર: વન્ય પ્રાણીઓની મુક્ત મને અવરજવર સામે મીઠાંનું અતિક્રમણ? તપાસ જરૂરી

મીઠાનાં સાચાં અગરિયાઓનું શોષણ કરતાં અને દબાણ કરાવતાં એજન્ટો કોણ ?
 
Ghudkhar adesar

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સાંતલપુર નજીકના કચ્છના નાના રણમાં એક તરફ ઘુડખર રક્ષિત અભ્યારણ્ય છે ત્યારે મીઠાંની મીઠી ખેતી પણ ધમધમી રહી છે. આ મીઠાંની ખેતી સાથે હવે શંકાસ્પદ કથિત રીતે એવી બૂમરાણ મચી કે, ફેક્ટરીઓ પણ ઘૂસી છે. આવી સ્થિતિમાં ઘુડખર પ્રાણીના અભ્યારણ્યમાં મુક્ત મને વિહરવા કે અવરજવર કરવા બાબતે ચિંતા ઉભી થઇ છે. આડેસર રેન્જ હેઠળ આવતાં આ વિસ્તારમાં અતિક્રમણ વધ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા ત્યારે તાત્કાલિક તપાસ જરૂરી બનતી જાય છે. આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા મુજબ રૂટિન તપાસ થાય છે પરંતુ અગરિયાઓ અને જેને કાયદેસરની પ્રવેશની પરમિટ છે તે સિવાયના માટે કેમ જોગવાઈ કે કાર્યવાહી નહિ તે સૌથી મોટો સવાલ છે. જાણીએ કેવા છે અહિં માટેના ગંભીર સવાલો.

ધ્રાંગધ્રા ઘુડખર ડીવીઝનની એક રેન્જ આડેસર ખાતે આવેલી છે અને આ આડેસર ફોરેસ્ટ રેન્જ હેઠળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા નજીક રણનો ભાગ આવે છે. આ ભાગમાં ઘુડખર અભ્યારણ્ય, રક્ષિત વનવિસ્તાર હોઈ અન અધિકૃત પ્રવેશ અને પરમિટ વગરની પ્રવૃત્તિ ઉપર કડક કાર્યવાહીની જોગવાઈ છે. જોકે અહિં ઘણાં વર્ષોથી મીઠાંની ખેતી થતી હોઈ અનેક શંકાસ્પદ ઈસમો અને એજન્ટો ઘૂસીને વચેટિયા બની ગયા છે. આ વચેટિયાઓનો પાવર એટલો છે કે, મનફાવે તેને અગરિયા બનાવી, અતિક્રમણ કરાવી, અન અધિકૃત છતાં બેફામ અવરજવર કરાવી શકે તેવી સ્થિતિએ પહોંચી ગયા છે. જેના લીધે આડેસર રેન્જ ફોરેસ્ટની પારદર્શકતા સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ એજન્ટો કોના સંપર્કમાં છે? કોના સાથે નાણાંકીય સંબંધ ધરાવે છે? કોના આદેશથી બેફામ બની દબાણ કરી/કરાવી રહ્યા તે પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો આડેસર ફોરેસ્ટ રેન્જ, ડીઆઇએલઆર, સ્થાનિક મામલતદાર, શ્રમ કચેરી અને પરમિટ આપવા સંબંધિત કચેરીની સંયુક્ત ટીમ તપાસમાં ઉતરી જાય તો એજન્ટો અને મળતિયાઓ ખુલ્લા પડે તો સાથે અતિક્રમણ પણ ખુલ્લું થાય તેવું પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓ માની રહ્યા છે. કેમ કે, સમગ્ર ગુજરાતમાં અહિં સૌથી વધુ ઘુડખર પ્રાણી હોઈ સરકારના પ્રયાસો રહ્યા છે કે, આ પ્રાણી રક્ષિત વનવિસ્તારમાં મુક્ત મને વિહરી શકે તેમજ કોઈપણ પ્રકારની તકલીફો ના ભોગવે. આ માટે સરકાર દરવર્ષે જરૂરિયાત મુજબ ગ્રાન્ટ પણ આપતી રહે છે તેમજ કોઈપણ જાતની ચૂક ના રહે તે માટે વનમંત્રી સહિતના ધ્યાન રાખે છે. 

આડેસર રેન્જને પારદર્શક કાર્યવાહી કરવા માટે અગત્યના સવાલો

- ચાલુ વર્ષે કેટલા અગરીયાઓ દ્વારા રણમાં મીઠું પકવવાની કામગીરી ચાલુ છે?

- સર્વે અને સેટલમેન્ટના રીપોર્ટ મુજબ સાંતલપુરના રણ વિસ્તારમાં કેટલા એકર જમીન અગરીયાઓને મીઠું પકવવા માટે ફાળવેલી છે?

- સર્વે અને સેટલમેન્ટના રીપોર્ટ મુજબ પોતાના ગામનાં જે તે સર્વે નંબરમાં ખેતી માટે કોને કેટલી જમીન/જગ્યા ફાળવેલી છે?

- સર્વે અને સેટલમેન્ટના લીસ્ટ પ્રમાણે રજીસ્ટર (A) માં કોના નામો અને રજીસ્ટર (B) માં કોના નામો છે?

- સાંતલપુર રણ વિસ્તાર નજીક ધમધમી રહેલી કેમીકલ ફેક્ટરીઓને રો મટીરીયલ્સ રણમાંથી લાવવાની પરમીશન બાબતે શું કામગીરી હાથ ધરી?

- આડેસર રેન્જ હેઠળ આવતાં વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીઓ ચાલે છે ? જો હા તો આ કેમીકલ અને મીઠાની ફેક્ટરીઓ પ્રદુષિત વેસ્ટેજ પાણી ક્યાં છોડે છે?

- ગ્રીન ટ્રિબ્યુનલના વખતોવખતના આદેશ મુજબ બનાસ નદીના પ્રવાહમાં બનાવેલા અગરો દૂર કરવામાં આવ્યા ?

- ઉનાળાના સમયમાં સાંતલપુર રણ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પાણીના પોઈન્ટ ભરવામાં વ્યવસ્થા અને આપૂર્તિ જળવાઈ રહે છે?

- ચાલુ વર્ષે સ્ટેટ રીઝર્વ પોલીસની મદદથી કેટલા એકર જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું?