કૌભાંડ@અમદાવાદ: દેશનો પ્રથમ ડી બગિંગ સાયબર ક્રાઈમ કેસ, 7 કરોડની છેતરપિંડી કરતાં 3 યુવકો ઝડપાયા

 
કાર્યવાહી
પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના રિલીફ રોડ પર ક્રિકેટ સટ્ટાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા ત્રણ યુવકોની પૂછપરછ દરમિયાન ઈ-કોમર્સ વેબસાઈટ પર ડી બગિંગ સોફ્‌ટવેરથી ચેડા કરીને ઓનલાઇન પ્રોડક્ટ મફતના ભાવે મંગાવીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાની સાઈટમાં પણ ચોક્કસ મોડ્‌સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન ત્રણેય યુવકો દ્વારા સાત કરોડ રૂપિયા સુધીની ઠગાઇ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર દીપક ઢોલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે રીલીફ રોડ પર એક ઓફિસમાં ત્રણ યુવકો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. અહીં દરોડો પાડીને પોલીસે વિજય વાઘેલા (અશ્વમેઘ ટેનામેન્ટ, બાપુનગર), નિતેશ મડતા (ગુજરાત હાઉસીંગ બોર્ડ,બાપુનગર) અને આદીલ પરમાર (રામીની ચાલી, રખિયાલ)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી ક્રિકેટ સટ્ટાને લગતા કેટલાંક લોગઇન આઇ ડી મળી આવ્યા હતા.બાદમાં પોલીસે તેમની પાસેથી જપ્ત કરેલા ગેઝેટ્‌સની તપાસ કરતા વિગતો સામે આવી હતી કે આરોપીઓ ક્રિકેટ સટ્ટામાં ગેંમિંગ સાઇટમાં ડી બગિંગ સોફ્‌ટવેરની મદદથી ચેડા કરીને મોટાપ્રમાણમાં નાણાંની છેતરપિડી આચરી રહ્યા છે.

આ ઉપરાંત વધારાની પૂછપરછમાં સામે આવેલી માહિતી જાણીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ઇ-કોમર્સ, જ્વેલર્સ કે અન્ય વેબસાઇટમાં સિક્યોરિટી ટેસ્ટીંગ  સોફ્‌વેર ડી બગિંગની મદદથી ખામી શોધતા હતા. તેમાં એન્ટર થઈને કોઇ પ્રોડક્ટના ભાવમાં ચેડા કરીને 10 હજારની પ્રોડક્ટની કિંમત એક રૂપિયો લખીને તે પ્રોડક્ટને ડમી નામે ઓર્ડર કરીને તેને સસ્તામાં ખરીદી લેતા હતા. ત્યારબાદ તે વેચાણ કરતા હતા. આ ઓપરેન્ડીથી ગેમિંગ વેબસાઇટ અને કેશિનોની વેબસાઈટમાં ચેડા કરીને નાણાં પડાવતા હતા. છેલ્લાં બે વર્ષમાં તેમણે સાત કરોડ રૂપિયા સુધીની છેતરપિંડી કરીને 125 જેટલા પાર્સલની મદદથી કિંમતી ચીજવસ્તુઓ મંગાવી હોવાનું પણ ખુલ્યું છે.

આ ઉપરાંત પોલીસે પાંચની કિંમતના પાર્સલ પણ જપ્ત કર્યા હતા. ત્રણેય આરોપીઓએ અત્યાર સુધીમાં બે વેબસાઇટમાં ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમા તે પ્રાઇઝ મોડીફિકેશન અને રિસ્પોન્સ સ્ક્રિપ્ટ ચેંજ ટેકનિકનો ઉપયોગ છેતરપિંડી માટે કરતા હતા. આ આરોપીઓની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આમ, ગુજરાતનો જ નહીં પણ સમગ્ર દેશનો પ્રથમ કોઇ આવો કેસ શોધવામાં આવ્યો હતો.