કૌભાંડ@અમદાવાદ: પાણીની બોટલના ધંધામાં ₹1.55 કરોડથી વધુની છેતરપિંડી, મેનેજરે જ રચ્યું ષડયંત્ર

 
કૌભાંડ
ફેક્ટરીમાંથી રાતોરાત મશીનરી ચોરી જવાનો પણ પ્રયાસ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા એક વૃદ્ધ વેપારીને પાણીની બોટલ બનાવવાનો નવો પ્લાન્ટ શરૂ કરવા અને તેમાં 50 ટકા નફાની ભાગીદારી આપવાની લાલચ આપી 1.55 કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ખેલ કરનાર અન્ય કોઈ નહીં, પરંતુ વેપારીની જ ઓફિસ કોમ્પ્લેક્સમાં છેલ્લા 10 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતો વફાદાર કર્મચારી, તેનો પુત્ર અને પુત્રવધૂ છે.

અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટનો ધંધો કરતા 60 વર્ષીય પરેશ પટેલ સાથે આ છેતરપિંડી થઈ છે. તેમની સાથે ઠગાઈ કરનાર આરોપીઓમાં તેમની જ ઓફિસના કોમ્પ્લેક્ષમાં છેલ્લા એક દાયકાથી મેનેજર તરીકે નોકરી કરતો સંદીપ પરીખ, તેનો પુત્ર ઉજાસ સંદિપ પરીખ અને ઉજાસની પત્ની અમીબહેન પરીખ સામેલ છે.સંદીપ અને તેના પુત્ર ઉજાસે પરેશભાઈને 'સારસ ફૂડ એન્ડ બેવરેજીસ' નામના પાણીની બોટલો બનાવવાના ધંધામાં ભાગીદારીની ઓફર કરી હતી.

આરોપીઓએ સીડલ કંપનીનું અંદાજે 11.44 કરોડ રૂપિયાનું નવું પેટ બ્લોઇંગ મશીન ખરીદવાની વાત કરી, વેપારીને આકર્ષ્યા હતા. એપ્રિલ 2023થી જુલાઈ 2024 દરમિયાન પરેશ અને તેના પત્ની પાસેથી ચેક તેમજ બેન્ક ટ્રાન્સફર મારફતે 1,47,00,000 રૂપિયા અને ફેક્ટરી મેઇન્ટેનન્સના નામે રોકડા 8,12,394 રૂપિયા મળી કૂલ 1,55,12,394 રૂપિયા પડાવી લીધા હતા.

કૌભાંડને અંજામ આપવા માટે આરોપી ઉજાસ પરીખે સીડલ કંપનીના નામે ખોટા ક્વોટેશન અને બોગસ ટેક્સ ઇનવોઇસ ઊભા કર્યા હતા. એટલું જ નહીં, તેની પત્ની અમીના યસ બેન્કના ખાતામાંથી મશીન બનાવતી કંપનીને પેમેન્ટ ચૂકવાઈ ગયું હોવાનું એક 'ફેક બેંક સ્ટેટમેન્ટ' પણ બનાવીને પરેશભાઈને બતાવ્યું હતું. વાસ્તવમાં આ નાણાં કંપનીને ચૂકવવાના બદલે ઉજાસે પોતાના અંગત બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

લાંબો સમય વીતવા છતાં ધંધામાંથી કોઈ નફો ન મળતા પરેશે જ્યારે હિસાબ માંગ્યો, ત્યારે આરોપીઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા. વેપારીને શંકા ન જાય તે માટે આરોપીઓએ છેવટે પોતાના મળતિયાઓ સાથે મળીને ફેક્ટરીમાંથી રાતોરાત મશીનરી ચોરી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ શંકાસ્પદ હિલચાલને પગલે સમગ્ર કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.હાલમાં વૃદ્ધ વેપારી પરેશભાઈ પટેલે આ ત્રણેય નટોરિયસ આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવવા અંગેની કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.