કૌભાંડ@અમદાવાદ: PMAY હેઠળ મકાનની લાલચ આપી મહિલાઓ સાથે રૂ.7.18 લાખની છેતરપિંડી

 
Kaubhand
રૂપિયા ચૂકવ્યાના લાંબા સમય બાદ પણ મકાન ન મળતા કૌભાંડ સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી 'સનાતન રેસીડેન્સી'માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી મહિલાઓ સાથે રૂ. 7.18 લાખની ઠગાઈ આચરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કૌભાંડ આચરનાર મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ નામના શખ્સ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપીએ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને ઘરનું ઘર મેળવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી અને તેમની પાસેથી રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા પડાવી લીધા હતા. આરોપી મહેબુબ શેખે ફરિયાદી રેખાબેન ડાભી પાસેથી કુલ રૂ.2 લાખ, તેમની બહેન રવીનાબેન પાસેથી રૂ.2.44 લાખ અને પરિચિત પ્રિયાબેન પાસેથી રૂ.2.74 લાખ મળીને કુલ રૂ.7.18 લાખ પડાવી લીધા હતા. આ ઠગાઈ આચરવા માટે તેણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના બનાવટી લેટરપેડ, મકાનની ફેક ફાઈલો અને બોગસ પઝેશન લેટર તૈયાર કરી બતાવ્યા હતા.

મકાન દસ્તાવેજ, લોન અને પઝેશનના નામે અલગ-અલગ તબક્કે રકમ લીધા બાદ, છેલ્લે મકાનની ચાવી અને પઝેશન લેટર સોંપવાના બાના હેઠળ પણ વધુ રૂ. 10 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. રૂપિયા ચૂકવ્યાના લાંબા સમય બાદ પણ મકાનનો કબજો કે સંતોષકારક જવાબ ન મળતાં ફરિયાદી મહિલાઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં પોતાની સાથે મોટો વિશ્વાસઘાત થયો હોવાનો ખુલાસો થયો હતો. આરોપીએ તમામ દસ્તાવેજો ખોટા ઊભા કરીને રૂપિયા મેળવ્યા હોવાનું સ્પષ્ટ થતાં રેખાબેન ડાભીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.