કૌભાંડ@અમરેલી: 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારી ગેંગનો પર્દાફાશ

 
કૌભાંડ

15 જેટલા બેન્ક ખાતાઓમાં 634 કરોડ રૂપિયાની જંગી રકમ જમા થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યભરના 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારી ગેંગનો અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. SD Pay અને Apna Pay નામની મોબાઈલ એપ્લિકેશન મારફતે આચરવામાં આવેલા અંદાજે 634 કરોડ રૂપિયાના નાણાકીય કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, આરોપીઓએ 'S.D. Pay' એપ્લિકેશન દ્વારા લોકો પાસે 1 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયાથી વધુ રકમનું રોકાણ કરાવી દૈનિક 0.15%થી 0.30% સુધીનું વળતર આપવાની જાહેરાતો કરી હતી.

15 અલગ-અલગ લેયર સુધી 3% થી 30% સુધીના રેફરલ બોનસની લાલચ આપી લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો. પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ ધરાવતી આ એપ દ્વારા આરોપીઓએ પોતાના રેફરલથી જ અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને જોડીને કરોડોનું રોકાણ કરાવ્યું હતું.આ મામલે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમો, Banning of Unregulated Deposit Schemes Act, GPID એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી SITની રચના કરાઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ નાણાં મેળવવા અને સગેવગે કરવા માટે S.D. Hub (OPC) Pvt. Ltd., Shiv Dharti Communication, Upay Digi Payment India સહિતની ડમી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના 15 જેટલા બેન્ક ખાતાઓમાં 634 કરોડ રૂપિયાની જંગી રકમ જમા થઈ હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત આરોપીઓના અંગત 30થી 35 બેન્ક ખાતાઓ પણ મળી આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓ

સૂર્યસિંહ રાઠોડ (ઉ. 24): ડિરેક્ટર (S.D. Hub Pvt. Ltd.), રહે. માણસા, ગાંધીનગર
આશિષ ગેડિયા (ઉ. 38): મૂળ સાવરકુંડલા, હાલ સુરત
ભાવેશ ચૌહાણ (ઉ. 41): મૂળ સાવરકુંડલા, હાલ સુરત
નિશી પ્રસાદ (ઉ. 47): રહે. મહેસાણા (મૂળ બિહાર)
સોહિલ મકવાણા (ઉ. 26): રહે. મહેસાણા
નિરવકુમાર પટેલ (ઉ. 32): રહે. બલોલ, મહેસાણા

NCCRP પોર્ટલ પર તપાસ કરતા આ ગેંગના 12 બેન્ક ખાતાઓ સામે દેશભરમાંથી 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ SIT દ્વારા વધુ કંપનીઓ અને બેન્ક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.