કૌભાંડ@બારીયા: આ ગામમાં કરોડોના રસ્તા માત્ર કાગળ ઉપર, ટોળકીએ મનરેગામાંથી લૂંટ મચાવી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા તાલુકામાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારે અતિશય પ્રમાણમાં ભરડો લીધો હોય તેમ ગામેગામથી કૌભાંડના અહેવાલ આવી રહ્યા છે. બે ગામની એક ગૃપ પંચાયતમાં મનરેગા હેઠળ અનેક રસ્તાઓ બતાવી ગ્રાન્ટ ખેંચી લીધી પરંતુ 50ટકાથી પણ વધુ રસ્તાઓ માત્ર કાગળ ઉપર છે. બૈણા-ભૂલવણ ગામમાં છેલ્લા 3 વર્ષમાં મનરેગા હેઠળ સરેરાશ 5 કરોડના કામો થયા પરંતુ જમીન ઉપર માંડ 2 કરોડના કામો માંડ શોધી શકાય તેમ છે. અહીં સુનિયોજિત રીતે બાહુબલીની ટોળકીએ કાગળ ઉપર કરામત કરી બોગસ કામો આધારે સાચી ગ્રાન્ટ મેળવી ભ્રષ્ટાચાર આચર્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભૂલવણ-બૈણા ગૃપ ગ્રામ પંચાયતના રહીશો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત થઈ ચૂક્યો છે. બંને ગામના અને ગામલોકોના વિકાસ હેતું નાણાંકીય વર્ષ 2021થી 2024-25 સુધી મનરેગા હેઠળ માટી મેટલ, સીસી રોડ, સ્ટોનબંધ, ચેકવોલ સહિતના 80થી વધારે કામો મંજૂર થયા હતા. આ 4.5થી 5 કરોડ સુધીના કામો પૈકી 2 કરોડના કામો પણ જમીની સ્તરે હયાત ના હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, ખોટાં કામો બતાવી ગેરકાયદેસર લેબર ખર્ચ અને મટીરીયલના બોગસ બીલો મૂકી મનરેગામાંથી ગ્રાન્ટ ખેંચી લીધી છે. આ ગેરકાયદેસર કામોમાં માત્ર મનરેગાના કરારી જ નહિ પરંતુ એજન્સી, એજન્ટો અને ટેકનિકલ તેમજ દેખરેખ સહિતના કર્મચારીઓની મિલીભગત રહી છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગાના સીસી રોડ અને માટી મેટલના અનેક રસ્તાઓ કાગળ ઉપર બતાવવામાં ભ્રષ્ટાચારીઓને પરોક્ષ રીતે અન્ય શાખાના કામો મદદરૂપ બન્યા છે. મનરેગા સિવાય રાજ્ય/કેન્દ્ર/રાજકીયની અનેક ગ્રાન્ટોમાં પણ રસ્તાઓ થયા હોઇ મનરેગાના કરારી/એજન્સીને બેફામ ભ્રષ્ટાચાર કરવા સોનેરી તક મળી હતી. કાગળ ઉપર અને મનરેગા પોર્ટલ ઉપર બોગસ દસ્તાવેજો/વિગતો રજૂ કરી/કરાવી સરકારને ગેરમાર્ગે દોરી બાહુબલી કૌભાંડી ટોળકીએ આ બંને ગામમાં સરેરાશ 2થી 3 કરોડનું કૌભાંડ આચર્યું છે. જો ગાંધીનગર અથવા કેન્દ્ર સરકારમાંથી ઉચ્ચ કક્ષાએથી તપાસ ટીમ બોલાવવામાં આવે તો અનેક કરારી અને એજન્ટો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ મામલે વિગતો અને જાણકારો ત્યાં સુધી કહે છે કે, સાચી તપાસ થવી લોઢાના ચણા ખાવા સમાન કઠિન છે પરંતુ જો સાચી તપાસ થઈ જાય અને કાર્યવાહીનો અમલ થાય તો 10 નહિ પરંતુ 20થી વધારે રસ્તાઓ કાગળ ઉપર સાબિત થઈ શકે અને ટીડીઓને ફોજદારીના હુકમો છોડવા પડે તેવી સ્થિતિ આવી શકે છે.