કૌભાંડ@ભાવનગર: રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સએ અત્યાર સુધીના સૌથી મોટા સાયબર ક્રાઈમ ક્રેકડાઉનમાં એક વિશાળ આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરમાંથી સંચાલિત આ રેકેટે મ્યુલ બેંક એકાઉન્ટ્સ, આંગડિયા પેઢી અને ક્રિપ્ટોકરન્સી વોલેટ મારફતે રૂ.719 કરોડનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ભાવનગરની એક ખાનગી બેંકના બે કર્મચારીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ કૌભાંડના તાર દુબઈ અને ચીનની કુખ્યાત સાયબર સિન્ડિકેટ્સ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ ટોળકી દેશના 26 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય હતી. ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકની શાખામાં 110 જેટલા બોગસ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ દ્વારા ભોગ બનેલા લોકોના નાણાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં જમા થતા હતા. આ નાણાંને રોકડમાં ઉપાડી, આંગડિયા મારફતે ફેરવી અને અંતે USDT ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. આ ડિજિટલ એસેટ્સ દુબઈ અને ચીન સ્થિત 'CIDCAT' સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ઓપરેટરોને મોકલવામાં આવતી હતી.
અધિકારીઓના કહ્યા મુજબ આ એક જ નેટવર્કનો ઉપયોગ કરીને દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર (300 કેસ), તમિલનાડુ (203 કેસ), કર્ણાટક (194 કેસ), તેલંગાણા (128 કેસ), ગુજરાત: (97 કેસ), કેરળ (91 કેસ), ઉત્તર પ્રદેશ (88 કેસ) અને દિલ્હી (74 કેસ)નો સમાવેશ થાય છે. આ સિન્ડિકેટ દ્વારા મુખ્યત્વે 8 પ્રકારના ફ્રોડ કરવામાં આવતા હતા. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, પાર્ટ-ટાઈમ જોબ સ્કેમ, લોન ફ્રોડ, UPI સંબંધિત ફ્રોડ અને વોઈસ ફિશિંગનો સમાવેશ થાય છે.

