કૌભાંડ@દાહોદ: ખાણખનીજ વિભાગ રેતમાફિયા પર ત્રાટકતા સનસનાટી મચી, 6 કરોડનો માલ જપ્ત કર્યો

40 લાખ રૂપિયાથી પણ વધુ વસૂલાત થાય તેવી સંભાવના છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાહોદમાં ખાણખનીજ વિભાગ રેતમાફિયા પર ત્રાટકતા સનસનાટી મચી ગઈ છે. ખાણખનીજ વિભાગે દાહોદના પંચેલા ગામેથી કરોડો રૂપિયાનું રેત ચોરીનું કૌભાંડ પકડ્યુ છે. ખાણખનીજ વિભાગની કાર્યવાહીએ રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધી બેખોફ ચોરી કરતાં રેતમાફિયા સરકારની આ કાર્યવાહીના લીધે સ્તબ્ધ થઈ ગયા છે.હોટેલના પાર્કિંગમાંથી રેતીને ઓવરલોડ કરતી 17 ટ્રકો ઝડપવામાં આવી છે.
ખાણખનીજ વિભાગે આ કાર્યવાહીમાં કુલ રૂ. 6 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે. તેમા 40 લાખ રૂપિયાથી પણ વધુ વસૂલાત થાય તેવી સંભાવના છે. દાહોદમાં રેતમાફિયા બેફામ બન્યા છે ત્યારે તેમની સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત વર્તાતી જ હતી. તેમના પર લગામ નાખવું જરૂરી થઈ પડ્યું હતું. તેઓ એકદમ નિરંકુશ બની ગયા હતા, હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા દાહોદના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે, જ્યારે માફિયાઓ ચૂપ થઈ ગયા છે.
તંત્રએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ તે રેત માફિયા કે બીજા ખનીજ માફિયા સામે આ પ્રકારની કાર્યવાહી કરવાનું જારી જ રાખવાનું છે. આ કાર્યવાહી છેલ્લી અને અંતિમ નથી. તંત્ર જ્યાં-જયાં પણ રેતચોરી થતી હશે અને ગેરકાયદેસર ખનન થતું હશે ત્યાં કાર્યવાહી કરશે જ, તેથી હવે ચેતવાનો સમય આ માફિયાઓનો છે. તેઓ તેમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.