કૌભાંડ@ગુજરાત: સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને નાયબ મામલદાર હાલમાં ભ્રષ્ટાચાર મામલે ચર્ચામાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીના નામે મસમોટા રોકાણો થઈ રહ્યા છે. પરંતુ તેની આડમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સ્થાપિત થયેલા 850 કરોડના સોલાર પ્લાન્ટમાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ સામે આવતા ચકચાર મચી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના જાગૃત ખેડૂત અશ્વિનભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, એન. એસ. સોલાર પ્લાન્ટના સંચાલકો અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓની મિલીભગતથી સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પ્લાન્ટ અંદાજે 850 કરોડના ખર્ચે તૈયાર થયો હોવા છતાં, કાગળ પર પ્રોજેક્ટ કોસ્ટ ઓછી બતાવીને સરકારી ફીમાં 7.90 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ વિશાળ સોલાર પ્લાન્ટને ઘુડખર અભ્યારણ્યની નજીક જ મંજૂરી આપવામાં આવી છે.
પર્યાવરણ અને વન્યજીવો માટે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં કયા આધારે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી, તે પણ તપાસનો વિષય બન્યો છે. આવામાં ખેડૂત દ્વારા આ મામલે સઘન તપાસ કરીને જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.ભ્રષ્ટાચારના આ ગંભીર આક્ષેપો સાથે ખેડૂત અશ્વિન પટેલે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સીધી PMO અને ACBમાં લેખિત ફરિયાદ કરી છે. ખેડૂતનો આક્ષેપ છે કે, અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને ખાનગી કંપનીને ફાયદો કરાવ્યો છે.

