કૌભાંડ@ગુજરાત: મનરેગા યોજનામાં વધું એક ગેરરીતિ, 22 લાખ શ્રમિકો 'નકલી' હોવાનું સામે આવ્યું

 
કૌભાંડ
જોબકાર્ડ પણ બારોબાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં મનરેગા યોજનામા વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યુ છે. મનરેગા યોજના થકી ગરીબ આદિવાસીઓને 100 દિવસ રોજગાર આપવાનો દેખાડો કરાયો છે. એટલું જ નહીં, ચોપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવી દેવાય છે. જો આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો વ્યાપકપણે ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા છે.

રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં તળાવો ઊંડા કરવાથી માંડીને અન્ય કામો કરાવી ગરીબોને રોજગાર આપી શકાય તે મનરેગા યોજનાનો મૂળ હેતુ રહ્યો છે. આ યોજના મળતિયા, એજન્ટો અને ભ્રષ્ટ અધિકારીઓ માટે કમાણીની યોજના બની રહી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલાં રિપોર્ટ ગુજરાતમાં મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતીને ઉજાગર કરી છે. યોજનામાં નકલી મજૂરોનો સિલસીલો છેક પાંચ વર્ષથી યથાવત રહ્યો છે. વર્ષ 2019-20માં મનરેગા યોજનામાંથી 1,54,654 મજૂરોના નામ રદ કરાયાં હતાં. જ્યારે વર્ષ 2023-24માં આ સંખ્યા વધીને 9,75,944 સુધી પહોંચી ગઇ છે. હવે સવાલ ઉઠ્યો છે કે, ક્યા આધારે મનરેગામાં મજૂર તરીકે નોંધણી થઈ અને કેટલાં સમય સુધી આ મજૂરને રકમ ચૂકવાઈ. જ્યારે મજૂરની વ્યાખ્યામાં આવતાં ન હોય તેવી વ્યક્તિને મનરેગા યોજનામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

મનરેગા માટે જોબકાર્ડ પણ બારોબાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ જોતાં છેલ્લાં પાંચેક વર્ષમાં જ 7,49,973 જોબકાર્ડ કેન્સલ કરી દેવાયાં છે. આટલી મોટી સંખ્યામાં જોબકાર્ડ કેમ રદ કરી દેવાયાં છે અને 22,68,756 મજૂરોને કેમ મનરેગા યોજનામાંથી દૂર કરાયાં તે મુદ્દે ગુજરાત સરકારે હજુ સુધી ખુલાસો કર્યો નથી.  કેન્દ્ર સરકારના રિપોર્ટ આધારે એ વાત સાબિત થઈ છે કે લાખો મજૂરોને ચોપડે જ દર્શાવી દેવાયાં છે. 100 દિવસ રોજગારી આપવાનો દેખાડો કરવા મળતિયાઓના નામ બારોબાર મજૂરો તરીકે દર્શાવી દેવાયાં હોવાની પણ આશંકા છે.