કૌભાંડ@ગુજરાત: 'સરસ્વતી સાધના' યોજના હેઠળ ખરીદવામાં આવેલી સાયકલમાં કરોડોનો ભ્રષ્ટાચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓ માટે ખરીદવામાં આવેલી સાયકલમાં 10 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં ગુજરાતે સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવ્યા છે છતાં સરકાર તરફથી આ કેસમાં કોઈ તપાસ થઈ નથી કે કોઈ અધિકારી કે મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.કન્યાઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતી આ યોજનામાં કૌભાંડો ચાલી રહ્યાં છે.
ગયા વર્ષે પણ ખરીદવામાં આવેલી સાયકલો ખુલ્લા ગોડાઉનોમાં પડી રહી હતી. સરસ્વતી સાધના યોજના હેઠળ 2023-24માં સરકારના આ વિભાગોએ 1.70 લાખ સાયકલો ખરીદવાનું નક્કી કર્યું હતું. જેની ખરીદી માટે રાજ્ય સરકારનું સાહસ ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લી.(ગ્રીમ્કો)ને સત્તા આપવામાં આવી હતી. વર્ષોથી ખરીદવામાં આવતી સાયકલ સ્પેશિફિકેશન અને ઉત્તમ કન્ડીશનની છે કે નહીં તે માટે એસપીસી દ્વારા નક્કી કરવામાં આવે છે પરંતુ પહેલીવાર માનિતી કંપનીઓને ફાયદો કરાવવા સ્પેશિફિકેશન અને કન્ડીશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.વિપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે વિરોધ, રજૂઆત અને ફરિયાદો થઈ છે છતાં મુખ્યમંત્રી કાર્યાલયના સીધા હસ્તક્ષેપના કારણે ખરીદીના સ્પેસિફિકેશન એસપીસીને બદલે સીધો વિભાગ નક્કી કરે છે કે જેથી માનિતી કંપનીઓને કોન્ટ્રાક્ટ મળી શકે.
સાયકલની આ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં સીએમ ઓફિસની સીધી સંડોવણી છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે આખી પ્રક્રિયામાં વિલંબ થયો છે, ઉંચી રકમ ચૂકવવામાં આવી છે અને ઉતરતી ગુણવત્તા મળી છે ત્યારે સરકારે ક્યા અધિકારી કે મંત્રી સામે પગલાં લીધા છે તે ગુજરાતની જનતાને જાણવું જરૂરી છે. આ કેસમાં સરકારે તપાસ કરવી જોઈએ, કારણ કે ગયા વર્ષે પણ ખરીદેલી સાયકલ કન્યાઓને મળી શકી નથી.કોંગ્રેસના સભ્યએ સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદવામાં આવેલી સાયકલમાં 10 કરોડનું કૌભાંડ થયું છે તેવા આક્ષેપ સામે સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ કેસમાં તપાસ કરી રહી છે.