કૌભાંડ@ગુજરાત: 2,500 કરોડનું સાયબર ફ્રોડ આચરનાર ટોળકીનો પર્દાફાશ, 20 લોકોની ધરપકડથી ખળભળાટ

 
કૌભાંડ
ત્રણ મોટી ખાનગી બેંકોના અધિકારીઓની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના રાજકોટમાં બેંકિંગ સુરક્ષા અને વિશ્વાસને હચમચાવી દેતો એક મોટુ કૌભાંડ સામે આવ્યું છે. બેંકિંગ સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ફાયદો ઉઠાવીને આશરે 2,500 કરોડનું સાયબર ફ્રોડ આચરનાર એક વિશાળ ટોળકીનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, જે બેંક અધિકારીઓના ખભે ગ્રાહકોના પૈસાની સુરક્ષાની જવાબદારી હતી, તેઓ જ આ કાળા કારોબારમાં સામેલ નીકળ્યા છે.

રાજકોટ પોલીસે દેશની ત્રણ મોટી ખાનગી બેંકો-યસ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંકના અધિકારીઓની ધરપકડ કરી છે. આ મામલાએ સમગ્ર દેશના બેંકિંગ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે. રાજકોટ પોલીસ અધિક્ષક વિજય ગુર્જરે આ હાઈ-પ્રોફાઈલ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં સંડોવાયેલા બેંક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ અધિકારીઓ માત્ર મદદગાર નહોતા, પરંતુ આ ટોળકીના સક્રિય સભ્યોની જેમ કામ કરતા હતા. જ્યારે પણ આ શંકાસ્પદ ખાતાઓમાં કરોડો રૂપિયાની લેવડદેવડ થતી ત્યારે બેંકની સિસ્ટમ ‘રેડ ફ્લેગ’ એટલે કે જોખમનો સંકેત આપતી હતી. સામાન્ય સંજોગોમાં આવા ખાતા બ્લોક થઈ જવા જોઈએ, પરંતુ મૌલિક કમાણી જેવા અધિકારીઓ નકલી દસ્તાવેજો લગાવીને તે ખાતાઓને ફરી ચાલુ કરાવી દેતા હતા.

બીજી તરફ, કલ્પેશ ડાંગરિયાએ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જેથી એવું લાગે કે કરોડોના આ વ્યવહારો ખેતીના વેપાર સાથે જોડાયેલા છે અને તપાસ એજન્સીઓની નજરમાં ન આવે.પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં 85 એવા બેંક ખાતા મળી આવ્યા છે. જેના દ્વારા અંદાજે 2,500 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું.