કૌભાંડ@ગુજરાત: આવકવેરા વિભાગે 11 રાજકીય પક્ષોના કાર્યાલયો પર દરોડા પાડ્યા, કરોડો રૂપિયા જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં આવકવેરા વિભાગએ 11 રાજકીય પક્ષોના કાર્યાલયો પર દરોડા પાડીને કરોડો રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ પક્ષો પર દાનના નામે 4,000 કરોડથી વધુના કાળા નાણાંની લોન્ડરિંગ કરવાનો ગંભીર આરોપ છે. દરોડા દરમિયાન રોકડની રકમ એટલી મોટી હતી કે તેને ગણવા માટે મશીનોની મદદ લેવી પડી હતી.આવકવેરા વિભાગે અમદાવાદના વર્લ્ડ ટ્રેડ ટાવરમાં આવેલા 11 રાજકીય પક્ષોના કાર્યાલયોને નિશાન બનાવ્યા હતા. રૂ.4,000 કરોડથી વધુના કાળા નાણાંની લોન્ડરિંગના સંદર્ભમાં કરોડો રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.
જપ્ત કરાયેલા અન્ય દસ્તાવેજોમાં 150 ડેબિટ કાર્ડ, 150 બેંક પાસબુક અને 30 થી વધુ કીપેડ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલના આધારે કરવામાં આવી છે. ADR રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે આ 11 રાજકીય પક્ષોએ છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ચૂંટણી લડી નથી, તેમ છતાં તેમને મળેલું દાન 4,300 કરોડ જેટલું હતું. આ રકમ ઘણા મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોને મળેલા દાન કરતાં પણ વધુ હતી.
ચૂંટણી પંચ સમક્ષ સુપરત કરેલા તેમના ખર્ચના નિવેદનોમાં, આ પક્ષોએ કુલ 3,500 કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આ પક્ષોના પદાધિકારીઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા, ઓટો ડ્રાઇવર અથવા સામાન્ય દુકાનદાર હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ 5 થી 10 ટકા કમિશન કાપીને પૈસા દાતાઓને રોકડમાં પરત કરતા હતા, જે મની લોન્ડરિંગનો સંકેત આપે છે.આ કૌભાંડમાં સામેલ દાતાઓમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને જયપુરના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને વેપારીઓનો સમાવેશ થાય છે.