કૌભાંડ@ગુજરાત: NEETના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
રાજસ્થાનથી બે ભેજાબાજોને ઝડપ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
NEET પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓને લાખોનો ચૂનો લગાવતા આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેલિગ્રામ ચેનલોના માધ્યમથી ‘પેપર લીક’ થઈ ગયું હોવાની ખોટી લાલચ આપીને વિદ્યાર્થીઓને છેતરતી ટોળકીના બે મુખ્ય આરોપીઓને પોલીસે રાજસ્થાનથી દબોચી લીધા છે.
જેસીપી શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સમાં આ કૌભાંડની વિગતો આપતા જણાવ્યું હતું કે આ એક મોટું કૌભાંડ છે જેમાં 1,000 થી વધુ લોકો ભોગ બન્યા છે.આરોપીઓ આકાશ મીણા (રહે. કોટા) અને સુમેર મીણા (રહે. જયપુર) ટેલિગ્રામ પર 8 જેટલા અલગ-અલગ ગ્રૂપ બનાવીને સક્રિય હતા. તેઓ વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવતા હતા કે તેમની પાસે ફરી યોજાનારી NEET પરીક્ષાનું પેપર છે. આ લાલચમાં આવીને દેશભરના 1,000 થી વધુ વિદ્યાર્થીઓ છેતરાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી આકાશ મીણા માત્ર NEET જ નહીં, પરંતુ અન્ય 44 જેટલી અલગ-અલગ વેબસાઈટ્સ દ્વારા સાયબર ફ્રોડ ચલાવતો હતો.
પોલીસને તેમના બેંક ખાતામાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની રકમ મળી આવી છે.આ કેસમાં માત્ર પેપર લીક જ નહીં, પરંતુ NEET ફી રિફંડના નામે પણ ઠગાઈ થતી હોવાનું બહાર આવ્યું છે, જેના સંદર્ભે બિહારથી એક ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ સાયબર ક્રાઈમની ટીમો રાજસ્થાન અને બંગાળ સુધી તપાસ ચલાવી રહી છે.

