કૌભાંડ@ગુજરાત: 18 રાજ્યમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સએ એક મોટા ઓપરેશનમાં દેશના 18 રાજ્યમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે અમદાવાદમાંથી ત્રણ રીઢા સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે, જેઓ બોગસ કંપનીઓ ઊભી કરીને મ્યુલ બેંક એકાઉન્ટ્સ સાયબર માફિયાને પૂરા પાડતા હતા.પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક દ્વારા રૂ. ૨.૮૬ કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું ખૂલ્યું છે. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમાં પેટીએમ જેવી કંપનીઓના મર્ચન્ટ આઈડીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપવાની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. ઉપરાંત ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું તથા ઓફિસો ભાડે રાખીને આખું નેટવર્ક ચાલતું હતું. પોલીસ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ૬ મોબાઈલ ફોન, 8 ચેકબુક, 31 ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને 1 લેપટોપ જપ્ત કર્યા છે.
આ કેસમાં સાયબર ક્રાઈમના ઇન્વેસ્ટિગેશનમાં એક અત્યંત ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. સામાન્ય રીતે સાયબર ફ્રોડની ફરિયાદ થાય એટલે બેંક ખાતા ફ્રીઝ થઈ જતા હોય છે. તેનાથી બચવા માટે આ ટોળકીએ પેટીએમ જેવી પેમેન્ટ ગેટવે કંપનીઓના એજન્ટોને પૈસા આપીને બોગસ કંપનીઓના નામે આશરે 38 મર્ચન્ટ આઈડી કઢાવ્યા હતા. જ્યારે કોઈ ભોગ બનનાર ફરિયાદ કરે, ત્યારે માત્ર મર્ચન્ટ આઈડી બ્લોક થતું, પરંતુ તેની પાછળનું મુખ્ય બેંક ખાતું પોલીસ પકડથી દૂર રહેતું હતું. આ છટકબારીનો લાભ લઈને આ ગેંગ લાંબા સમય સુધી પોલીસને થાપ આપીને એકાઉન્ટ ઓપરેટ કરતી રહી હતી.
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ કોઈ પણ પ્રકારના કાયદેસરના બિઝનેસ વગર માત્ર કાગળ પર 'ટ્રાવેલફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ' અને 'ટ્રાવોક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની બે બોગસ કંપનીઓ બનાવી હતી. આ ગેંગ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા ઓક્સફોર્ડ એવન્યુ અને સીટીએમ નજીક યમુના-૨ એસ્ટેટ ખાતે ઓફિસો ભાડે રાખીને આખું નેટવર્ક ચલાવતી હતી, જ્યાંથી દેશભરના સાયબર ગુનેગારોને કોર્પોરેટ બેંક ખાતા અને કિટ્સ સપ્લાય કરવામાં આવતી હતી.
પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 72 મ્યુલ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આમાંથી 22 બેંક ખાતા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી 54 ફરિયાદો સાથે સીધા જોડાયેલા છે, જેમાં કુલ 2.86 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ છે. આ 54 ફરિયાદોમાંથી માત્ર 3 ગુજરાતની છે, જ્યારે બાકીની અન્ય 15થી વધુ રાજ્યોની છે. બાકીના 50 મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ થાય તે પહેલા જ પોલીસે તેને સીઝ કરી દીધા છે. આ ખાતાઓનો ઉપયોગ કર્ણાટકના રૂ. 70 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મહારાષ્ટ્રના રૂ. 38 લાખના ડિજિટલ અરેસ્ટ ડિજિટલ અરેસ્ટ સ્કેમ અને રૂ. 93 લાખના ઇન્ટરનેટ બેંકિંગ ડિપોઝિટ સ્કેમમાં થયો હતો.

