કૌભાંડ@જૂનાગઢ: નકલી દૂધના રેકેટનો પર્દાફાશ, તેલ, પાવડર અને પાણીના મિશ્રણથી બનતું દુધ

 
નકલી દુધ
દરરોજ આશરે 800 લીટર દુધ વેચાતું હોવાનો ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડા પાડીને નકલી દૂધ બનાવતા એક રેકેટને ઝડપી પાડ્યું છે. ડુંગરપુરના ચાંદની ચોક વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ઇકબાલ ચૌહાણ નામના શખ્સની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી દ્વારા કોઈ જ શુદ્ધ દૂધનો ઉપયોગ કરવામાં નહોતો આવતો. પામોલીન તેલ, દૂધ બનાવવા માટેનો પાવડર અને સામાન્ય પાણીનું જોખમી મિશ્રણ કરીને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું.

આરોપી છેલ્લા 4થી 5 મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો અને તેના મકાનમાં દરરોજ આશરે 800થી 880 લીટર જેટલું નકલી દૂધ બનાવવામાં આવતું હતું.આ પ્રકારે તૈયાર થયેલા બનાવટી દૂધને અસલ દૂધ સાથે મિક્સ કરીને બજારમાં વિવિધ ડેરીઓમાં વેચવામાં આવતું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દૂધ મુખ્યત્વે નાગલપુર અને નાંદરખી વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ ડેરીઓમાં સપ્લાય થતું હતું, જેના કારણે અજાણતા જ નાગરિકો આ ઝેરી દૂધનું સેવન કરવા મજબૂર બનતા હતા.

કાર્યવારી દરમિયાન સંયુક્ત ટીમે સ્થળ પરથી બનાવટી દૂધ સહિત અંદાજે રૂ. 86 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દૂધની ગુણવત્તા ચકાસવા માટે તેના નમૂના લઈ FSL પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ રેકેટમાં માત્ર ઇકબાલ ચૌહાણ જ નહીં, પરંતુ તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ અને આ નકલી દૂધ અન્ય કઈ-કઈ જગ્યાએ પહોંચાડવામાં આવતું હતું, તે દિશામાં પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.