કૌભાંડ@મહેસાણા: ઊંઝામાં ફૂડ વિભાગ અને CIDનો દરોડો, ડુપ્લીકેટ જીરું અને કલરવાળી વરિયાળી ઝડપાઈ
ગણેશ ક્લીનિંગ ગોડાઉનમાં ચાલતું ડુપ્લીકેટ કૌભાંડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઊંઝામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ભેળસેળિયાઓ સામે ફૂડ વિભાગ અને સી.આઈ.ડી. પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા ફૂડ અધિકારી વિ.જે.ચૌધરી તથા સી.આઈ.ડી. પોલીસની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે ઊંઝા-પાલનપુર રોડ પર આવેલા મક્તુપુર ખાતેના 'ગણેશ ક્લીનિંગ ગોડાઉન' માં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી મોટું કૌભાંડ પકડી પાડ્યું છે.તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પટેલ મહેશભાઈ મણિલાલ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા આ ગોડાઉનમાં બનાવટી/ડુપ્લીકેટ જીરું બનાવવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, સામાન્ય વરિયાળીને આકર્ષક અને લીલીછમ દર્શાવવા માટે તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ગ્રીન કેમિકલ કલરનો વપરાશ કરવામાં આવતો હતો.
ફૂડ વિભાગ અને CID ની ટીમે ગોડાઉનમાં સઘન તપાસ કરીને 13 કિલો લુઝ વરિયાળી, 17 કિલો ગ્રીન કલર અને 4,998 કિલો જેટલો કલરયુક્ત વરિયાળીનો મોટો જથ્થો મળી કુલ રૂ.2,49,164/- ની કિંમતનો 5,028 કિલો જથ્થો સ્થળ પર જ સીઝ કરી લીધો છે.ફૂડ સિક્યોરિટી ઓફિસર દ્વારા તમામ શંકાસ્પદ સામગ્રી તેમજ કલરના નમૂનાઓ લઈને તેને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે.

