કૌભાંડ@જૂનાગઢ: રહેણાંક મકાનમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયું
કેમિકલ અને પાવડરથી તૈયાર થતું હતું નકલી દૂધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ ઝડપાયું છે. ખડીયા ગામના હનુમાનપુરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં લાંબા સમયથી કેમિકલયુક્ત નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે.
આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહીમાં જયદીપ ભેડા નામના શખ્સનું નામ સામે આવ્યું છે, જે પોતાના રહેણાંક મકાનમાં જ આ પ્રકારે ઘાતક રસાયણો અને પાવડરની મદદથી નકલી દૂધ તૈયાર કરી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે 60 લીટર જેટલો શંકાસ્પદ અને નકલી દૂધનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો છે.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નકલી દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી છે. જેમાં પામોલીન તેલના 3 ડબ્બા અને ખાસ પ્રકારનો દૂધ બનાવવાનો પાવડર સામેલ છે. આરોપી આ બધી સામગ્રી મિશ્રિત કરીને અસલી દૂધ જેવું જ પ્રવાહી તૈયાર કરતો હતો અને તેને બજારમાં વેચાણ માટે મોકલતો હતો. સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતા આ પ્રકારે ખુલ્લેઆમ નકલી દૂધ વેચવાના રેકેટ સામે આવતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની કામગીરી સામે મોટા પ્રવાહો ઊભા થયા છે.

