કૌભાંડ@જૂનાગઢ: બિલખામાં ગોડાઉન ઉપર દરોડો, ઘેર-ઘેર ફરી અનાજ ઉઘરાવતી ટોળકીનો પર્દાફાશ

 
કૌભાંડ
સરકારી અનાજની ગેરકાયદેસર લે વેચ થવાની તંત્રને ફરિયાદ મળી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢ જિલ્લામાંથી રેશનિંગનુ અનાજ કાળાબજારમાં ઠાલવવાનુ નવતર કૌભાંડ જિલ્લા કલેકટર દ્વારા ઝડપીલેવામા આવ્યુ હતુ. અને એક ગોડાઉનમાં છૂપાવવામાં આવેલ રૂા.9.25 લાખનુ અનાજ અને એક ટ્રક કબજે કરેલ છે. મળતી માહિતી મુજબ સસ્તા અનાજની દૂકાનોએથી વિતરણ થયા બાદ કૌભાંડકારો દ્વારા ઘેર-ઘેર જઇ રેશનિંગનું અનાજ એકત્ર કરવામા આવતુ હતુ જિલ્લા કલેકટરને આ રેકેટની જાણ થતા તેમણે વોચ ગોઠવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર લે વેચ થતી હોવાની તંત્રને ફરિયાદ મળી હતી. જેના આધારે જુનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બીલખાથી ગેરકાયદેસર રીતે વેચાતું 6,59,100 અનાજ ટ્રક મળી કુલ 12,25,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢની ટીમ દ્વારા સરકારી અનાજનુ હબ ગણાતા બીલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરતા હોવાની વાતની મળી હતી. જેને લઇ જુનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વહેંચાતા અનાજના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. અગાઉ શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સિઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે.

તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના કરતા સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ જિલ્લા કલેકટરની સૂચનાથી આવા ઈસમો પર સતત વોચ ગોઠવવામાં આવેલ હતી. બીલખા ખાતે ડીકોય ગોઠવવામાં આવેલ હતી. આ દરમિયાન એક ગોડાઉન ધારક ઈસમ ઈમ્તિયાઝ જીકરભાઈ ચોટલિયા તેના ગોડાઉનમાં ગેરકાયદેસર અનાજ આઇશર ટ્રકમાં ભરી અને બહાર વેચી દઈ સગે-વગે કરી નાખવાની ફિરાકમાં હતો. તે દરમિયાન સ્થળે પહોંચી જઈ અને અનાજ ભરેલો ટ્રક તથા ગોડાઉન ઝડપી લીધા હતા. તેઓને સદરહુ અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યા ન હતા.