કૌભાંડ@કડી: ભાગ્યોદય હોસ્પિટલ PMJAY યોજનાનું એપી સેન્ટર, ક્લેમ કરીને 6 કરોડથી વધુની કમાણી કરી
હોસ્પિટલે 2700 એન્જિયોગ્રાફી અને 100 એન્જિયોપ્લાસ્ટી કરી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કડી શહેરમાં ભાગ્યોદય હોસ્પિટલ PMJAY યોજનાનું એપી સેન્ટર રહ્યું છે. ભાગ્યોદય હોસ્પિટલમાં પણ અમદાવાદથી કાર્ડિયોલોજીસ્ટ બોલાવીને દર્દીઓની હાર્ટ સર્જરી કરવામાં આવતી હતી.એવી પણ ચર્ચા છેકે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સાથે જોડાયેલાં એક ગ્રુપનું ભાગ્યોદય હોસ્પિટલ સાથે કનેક્શન છે.
આ હોસ્પિટલમાં દર્દીઓની કરાયેલી સારવારના કલેઇમ સહિત અન્ય બાબતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પીએમજેવાય યોજનાનું મોટું કૌભાંડ બહાર આવી શકે છે. ગામડામાં દર્દીઓને લાવી હાર્ટની સારવાર પેટે પીએમજેવાયએ યોજના હેઠળ ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકો મોટી કમાણી કરતાં હતાં. એવી જાણકારી મળી રહી છે કે, ટુંકા ગાળામાં જ ભાગ્યોદય હોસ્પિટલે 2700 એન્જિયોગ્રાફી અને 100 એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આ સર્જરી પેટે ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકોએ આરોગ્ય વિભાગમાં ક્લેઇમ કરીને રૂા.6 કરોડથી વઘુ નાણાં મેળવ્યા હતાં. કડી જેવા શહેરમાં આટલી બધી હાર્ટ સર્જરી થતી હોવા છતાંય આરોગ્ય વિભાગને જરાય શંકા સુઘ્ધાં ઉભી થઇ ન હતી.