કૌભાંડ@મહેસાણા: 142 શિક્ષકોએ CCCના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી મેળવ્યા લાભો

 
કૌભાંડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણામાં જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટું શિક્ષણ કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા 142 જેટલા શિક્ષકોએ CCC (કોમ્પ્યુટર નોલેજ ના બોગસ અને ખોટાં સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચતર પગારધોરણ સહિતના નાણાકીય લાભો મેળવી લીધા હોવાનો પર્દાફાશ થયો છે.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અહેવાલને આધારે પ્રથમ તબક્કામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વિસનગર તાલુકાના 14 શિક્ષકોને બોગસ સર્ટિફિકેટ મામલે 7 દિવસમાં ખુલાસો કરવા માટે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

વિસનગર બાદ હવે મહેસાણા, જોટાણા, બહુચરાજી, કડી, વડનગર, ખેરાલુ, વિજાપુર, ઊંઝા અને સતલાસણા તાલુકામાં પણ બોગસ સર્ટિફિકેટ રજૂ કરનાર તમામ શિક્ષકો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. મહેસાણા જિલ્લામાં જિલ્લા ફેરબદલીથી આવેલા અન્ય 202 જેટલા શિક્ષકોના CCC સર્ટિફિકેટની પણ આગામી સમયમાં સંબંધિત માન્યતાપ્રાપ્ત સંસ્થાઓ પાસે ઘનન તપાસ અને ચકાસણી શરૂ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, શિક્ષકોના ખુલાસા આવ્યા બાદ સરકારી નિયમો મુજબ ખાતાકીય તપાસ હાથ ધરીને તમામ દોષિત શિક્ષકો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.