કૌભાંડ@મહેસાણા: સરકારી નોકરીના નામે નકલી ફિટનેસ સર્ટિફિકેટનું હાઈપ્રોફાઈલ રેકેટ ઝડપાતા ખળભળાટ

 
કૌભાંડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ONGCમાં નોકરી મેળવવા માટે આચરાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના નામે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને નકલી રિપોર્ટ બનાવવાનું હાઈપ્રોફાઈલ રેકેટ ઝડપાયું છે. સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ગોપીબેન પટેલે પોતાની સૂઝબૂઝથી આ સમગ્ર સિક્કા અને સહીના કાળા કારસ્તાનનો ભાંડો ફોડ્યો છે.આ મામલે સિવિલ પ્રશાસન દ્વારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઘટનાની વિગત એવી છે કે, સોલંકી દિલીપસિંહ નારાયણસિંહ નામનો એક વચેટિયો નટવરસિંહ રાજજી ડાભી નામના ઉમેદવારના ફિટનેસ સર્ટિફિકેટ પર ફાઇનલ સહી કરાવવા માટે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનની ઓફિસે પહોંચ્યો હતો. સર્ટિફિકેટ પર અગાઉથી જ તપાસ કરનાર ડોક્ટર તરીકે ડૉ. ઉમેશ વી. પટેલ ના નામના સિક્કા અને સહી મારેલા હતા.સિવિલ સર્જન ડૉ. ગોપીબેન પટેલે જ્યારે આ કાગળો જોયા ત્યારે તેમને શંકા ગઈ, કારણ કે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આ નામના કોઈ જ ડૉક્ટર ફરજ બજાવતા નથી! બારીકાઈથી તપાસ કરતા સિક્કા અને સહીઓ તદ્દન નકલી હોવાનું માલૂમ પડ્યું હતું.જ્યારે સિવિલ સર્જને વચેટિયા દિલીપસિંહની કડકાઈથી પૂછપરછ શરૂ કરી અને પોલીસને બોલાવવાની ધમકી આપી, ત્યારે તે ગભરાઈ ગયો હતો અને ટેબલ પર જ નકલી સિક્કા મૂકીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

બે મહિના અગાઉ પણ અન્ય 8 ઉમેદવારો આવા જ નકલી દસ્તાવેજો સાથે સહી કરાવવા આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ સ્ટાફે અસલી મેડિકલ ફાઈલ અને દસ્તાવેજો માંગતા જ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ONGCમાં કાયમી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવી નકલી સર્ટિફિકેટ પધરાવતી ગેંગને પકડવા માટે મહેસાણા પોલીસે તપાસ શરૂ કરી છે.