સ્કેમ@દેશ: SSCની ઓનલાઇન પરીક્ષામાં રૂ.160 કરોડનું હાઈ-ટેક કૌભાંડ, જાણો વિગતે

 
Frod
7 રાજ્યોના 30 કેન્દ્રોની સિસ્ટમ હેક થઈ હોવાના ખુલાસા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની તપાસમાં સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ની ઓનલાઈન ભરતી પરીક્ષાઓમાં આવું જ એક રૂ.160 કરોડનું હાઈ-ટેક કૌભાંડ સામે આવ્યું છે. મે 2026 માં એક સામાન્ય દરોડાથી શરૂ થયેલી આ તપાસ નવેમ્બર 2026 માં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દેશના સૌથી મોટા ડિજિટલ પરીક્ષા કૌભાંડ તરીકે બહાર આવી છે.આ સમગ્ર કૌભાંડના પર્દાફાશની શરૂઆત 22 અને 23 મે, 2026 ના રોજ થઈ હતી. UP STF ના નોઈડા યુનિટે ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં આવેલા 'બાલાજી ડિજિટલ ઝોન' પરીક્ષા કેન્દ્ર, બોધી તારુ ઇન્ટરનેશનલ સ્કૂલ અને અન્ય એક કેન્દ્ર પર ચાલુ પરીક્ષાએ દરોડા પાડ્યા હતા. તે સમયે CAPF, SSF કોન્સ્ટેબલ (GD), SSC CPO અને આસામ રાઈફલ્સની ઓનલાઈન ભરતી પરીક્ષાઓ ચાલી રહી હતી.


દરોડામાં STF એ બે ઉમેદવારો સહિત 7 લોકોની ધરપકડ કરી હતી, જેમાં કેન્દ્રના સંચાલક પ્રદીપ ચૌહાણ અને ટેકનિકલ માસ્ટરમાઈન્ડ અમિત રાણાનો સમાવેશ થતો હતો. તેમની પાસેથી ₹50 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન, 5 લેપટોપ, રાઉટર, ઉમેદવારોની યાદી, એડમિટ કાર્ડ અને નકલી ઓળખપત્રો (ID કાર્ડ) જપ્ત કરવામાં આવ્યા હતા. મે મહિનામાં આ મામલો માત્ર એક કેન્દ્ર અને 7 આરોપીઓ પૂરતો મર્યાદિત લાગતો હતો. પરંતુ જપ્ત કરાયેલા લેપટોપ અને સર્વર ડેટાની ફોરેન્સિક તપાસ પૂર્ણ થતાં 21–22 નવેમ્બર, 2026 ના રોજ ચોંકાવનારા ખુલાસા થયા. તપાસમાં 7 રાજ્યોના 30 કેન્દ્રોની સિસ્ટમ હેક થઈ હોવાના નક્કર પુરાવા મળ્યા બાદ ગાઝિયાબાદના વેવ સિટી પોલીસ સ્ટેશનમાં આ તમામ 30 પરીક્ષા કેન્દ્રો અને અંદાજે 30 મુખ્ય આરોપીઓ સામે નવી FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

STF ની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ નેટવર્ક 2025 થી સક્રિય હતું અને અત્યાર સુધીમાં યોજાયેલી લગભગ 16 જેટલી પરીક્ષાઓમાં (જેમાં 4 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થયેલી SSC MTS પરીક્ષાનો પણ સમાવેશ થાય છે) ગેરરીતિ આચરવામાં આવી હતી.આ ગેંગે પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાની જૂની રીતને બદલે સાયબર ટેક્નોલોજીનો સહારો લીધો હતો. આ આખી ટેકનિક એન્જિનિયર એવા અમિત રાણાએ વિકસાવી હતી અને પ્રદીપ ચૌહાણને શીખવી હતી. ગેંગ દરેક ઉમેદવાર પાસેથી પરીક્ષા પાસ કરાવવા માટે અંદાજે 4 લાખ વસૂલતી હતી. આ રકમની વહેંચણી પણ નક્કી હતી.આ મહાકૌભાંડ બાદ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ના ચેરમેન એસ. ગોપાલકૃષ્ણને સ્પષ્ટ કર્યું છે કે પોલીસ તપાસમાં દોષિત ઠરેલા ઉમેદવારોને પરીક્ષા પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને શંકાસ્પદ ઉમેદવારો સામે કડક કાર્યવાહી ચાલુ છે.આ ઘટનાએ ઓનલાઈન પરીક્ષાઓની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.