રીપોર્ટ@પાટણ: HNGU ઉત્તરવહીકાંડમાં SC ના આદેશ બાદ આરોપીનું સરેન્ડર, અનેક ખુલાસા થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા બહુચર્ચિત MBBS ઉત્તરવહીકાંડમાં મુખ્ય આરોપી કનુ ચૌધરીએ આખરે સુપ્રીમ કોર્ટના કડક વલણ સામે નમતું જોખ્યું છે. સુપ્રીમ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દઈ તેને તત્કાલ સરેન્ડર કરવાનો કડક હુકમ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે આરોપીએ 30 એપ્રિલ સુધીમાં કોઈપણ સંજોગોમાં શરણાગતિ સ્વીકારવી પડશે. સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરવા સિવાય આરોપી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. જેના પરિણામે લાંબા સમયથી ફરાર આરોપીએ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવાની તૈયારી બતાવી છે. તારીખ 30 એપ્રિલના અંતિમ દિવસે આરોપી કનુ ચૌધરી પાટણના B-ડિવિઝન પોલીસ મથકે હાજર થયો હતો.
પાટણ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી છે. પોલીસ હવે આ કેસમાં કનુ ચૌધરીની પૂછપરછ કરીને આ કૌભાંડમાં સામેલ અન્ય શખ્સો અને વહીવટી તંત્રની ભૂમિકા અંગે વધુ તપાસ તેજ કરશે. આ કાર્યવાહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની જંગમાં આરોપીની ધરપકડથી તપાસમાં નવા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે.પાટણ પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વર્ષ 2018ની તબીબી વિદ્યાશાખાની પરીક્ષામાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતુ. સી.આઈ.ડી. ક્રાઈમની આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતુ કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવા માટે સત્તાધીશો અને વિદ્યાર્થીઓએ મળીને પરીક્ષાની ઉત્તરવહીઓ બદલવાનું મોટું કાવતરૂં રચ્યું હતું. 17 જુલાઈ 2018 થી 28 જુલાઈ 2018 દરમિયાન લેવાયેલી પ્રથમ વર્ષ MBBSની પરીક્ષામાં બેઠક નંબર 391, 392 અને 406 ના વિદ્યાર્થીઓની અસલ ઉત્તરવહીઓ ગુમ કરવામાં આવી હતી. આ અસલ દસ્તાવેજોના સ્થાને અન્ય સ્થળે લખેલી નવી ઉત્તરવહીઓ ગોઠવી દેવામાં આવી હતી.

