કૌભાંડ@સીંગવડ: મનરેગામાં લેબરના નાણાંની લૂંટ જીઆરએસ સહિતનાએ કરી? કૌભાંડીઓ સામે ગુનો દાખલ ક્યારે?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં જેને તક મળી તેણે ગંગામાં હાથ ધોવાની કહેવતની માફક લૂંટ કરવામાં કોઈ કસર છોડી નથી. એક આખા પરિવારના મજૂરીના નાણાં વર્ષો સુધી કોઈએ લૂંટી લીધા અને પિડીત પરિવારે કાયદેસરના પુરવા સાથે રજૂઆત કરી ત્યારે કૌભાંડ છૂપાવવા મોટો કાંડ થયો હતો. મૃત્યુ પામેલા, વિકલાંગ મહિલા અને વૃધ્ધ વ્યક્તિને એટલે કે પરિવારને મનરેગા યોજનામાં લેબર કામે આવતાં હોવાનું બતાવી, હાજરી પુરી, ખાતામાં નાણાં જમા કરી, બારોબાર ઉપાડી છેતરપિંડી આચરી હતી. જેની સાબિતી થઈ જતાં તાલુકાના કરારીએ સ્વબચાવ કરવા અને જીઆરએસને બચાવવા સેટિંગ્સ પાડ્યું હતુ. જીઆરએસ શાહે સીંગવડ ગ્રામ પંચાયતના તલાટી સાથે સરકારમાં રૂપિયા જમા કરાવી આખો કેસ ફાઈલે કરાવ્યો હતો. આ કૌભાંડ એટલું મજબૂત છે કે, તત્કાલીન કૌભાંડીઓ અને નાણાં જમા કરાવનારા વિરુદ્ધ આજેપણ પિડીત પરિવાર ગુનો દાખલ કરાવી શકે તેવું ચોંકાવનારું ષડયંત્ર છે. વાંચો સ્પેશ્યલ મહા રીપોર્ટમાં
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સીંગવડ ગ્રામ પંચાયતના રહીશ રમેશભાઈ સેલોતે અગાઉ તાલુકાથી જિલ્લા અને રાજ્ય સરકારને મનરેગા કૌભાંડ અને પોતાના પરિવારજનોના નામે છેતરપિંડીની ફરિયાદ આપી હતી. જેમાં આ રમેશભાઈ સેલોતના પરિવારના એક મહિલા મૃત્યુ પામ્યા, એક વિકલાંગ અને એક વૃધ્ધ વ્યક્તિના નામે મનરેગામાંથી લેબર પેમેન્ટ ઉપાડવામાં આવતું હતુ. વર્ષ 2010થી સતત 10 વર્ષથી પણ વધુ સમય મજૂરીના નામે સરકારમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાબતની જાણ રમેશભાઈ સેલોતને થતાં મજબૂત પુરાવા સાથે તંત્રનું ધ્યાન દોર્યું પરંતુ પોલીસ ફરિયાદ કરવા/કરાવવાને બદલે મળતિયાઓએ મોટો કાંડ કર્યો હતો. આ કાંડ પૂર્વ આયોજિત અને કોઈને પણ નોકરીમાં તકલીફ ના પડે અને પોલીસ સ્ટેશને ગુનો ના થાય તે માટે રચ્યો હતો. નીચેના ફકરામાં વાંચો અને ચોંકી જશો કે, કેવી રીતે સેટિંગ્સમાં અધિકારીઓએ પણ મૌન રાખ્યું.
રમેશભાઈ સેલોતના પરિવાર સાથે તો છેતરપિંડી થઈ પરંતુ ખુદ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે પણ મહા છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત થયો છતાં ગુનો દાખલ થયો નહિ. કૌભાંડમાં સેટિંગ્સથી બચવા એજી શાહ નામના ગ્રામ રોજગાર સેવકે તત્કાલીન તલાટીને સાથે સીંગવડ ગ્રામ પંચાયતને છેતરપિંડીથી રકમ જમા કરાવી. આ રકમને નામ આપ્યું કે, સદર જોબકાર્ડ ધારકોના શરતચૂકથી જોબકાર્ડ બની ગયા અને કોઈ કારણથી નાણાં જમા થયા. આવા રૂપાળાં નામ આપીને રોજગાર સેવક શાહે અને તલાટીએ ઓક્ટોબર 2021 માં તત્કાલીન ટીડીઓને પત્ર લખી સરકારના બેંક ખાતામાં રકમ જમા કરાવીએ છીએ તેમ કહ્યું હતુ. આ પછી રોકડી રકમ ટીડીઓના ખાતામાં જમા કરી આપી પછી મળતિયા તત્કાલીન એપીઓ, અમઈ અને ટેકનિકલે પણ સરકારમાં રકમ જમા થઈ હોઈ આખો મામલો ફાઇલે કરવા ઓક્ટોબર 2021 માં જ ટીડીઓને રીપોર્ટ કર્યો હતો. આ રીપોર્ટ આધારે તત્કાલીન ટીડીઓએ પણ સરકારના નિયમો, છેતરપિંડી, વિશ્વાસઘાત, પૂરતી ચકાસણી/તપાસ કર્યા વગર માન્ય ગણી કૌભાંડીઓને બચવા અવસર આપ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગા એક્ટની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ થાય અને પરિવાર સાથે છેતરપિંડીની પણ પિડિત વ્યક્તિઓ ફરિયાદ નોંધાવી શકે છે. આથી રમેશભાઈ સેલોતે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા જિલ્લા પોલીસને રજૂઆત તો કરી પણ સ્થાનિક પોલીસ સ્ટેશને આવેલી ફાઈલે જવાબ લઈને ફરીથી ફાઈલે થઈ તે સૌથી મોટો સવાલ છે. અહીં એક વાત આજેપણ છૂપી છે કે, પિડીતોના નામે લેબર પેમેન્ટ શું જીઆરએસ શાહે ખાઇ લીધું હતું? જો જીઆરએસ શાહનું કોઈ કૌભાંડ નથી અને કોઈ નાણાંકીય ગેરરીતિ શાહે કરી નથી તો ગ્રામ રોજગાર સેવક એજી શાહે ગેરકાયદેસર થયેલ લેબર પેમેન્ટ કેમ ઘરના પૈસાથી ચૂકવ્યું? આ બાબતે અમોએ શાહનો સંપર્ક કર્યો પરંતુ આ સવાલોના જવાબ આપી શક્યા નથી.