છેતરપિંડી@ઇડર: ખેડૂતના પુત્રને કેનેડા મોકલવાનું કહી અમદાવાદના એજન્ટોએ આચરી છેતરપિંડી

 
Idar

બાકીના 3.75 લાખ રુપિયા પરત નહીં કરીને તેમનો સંપર્ક નહીં થતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈડરના ભદ્રેસર વિસ્તારના ખેડૂત પરેશ લાલજીભાઇ દેસાઇએ તેમના પુત્રને કેનેડા વર્કર પરમીટ આધારે મોકલવા માટેનું સપનુ જોયું હતુ. આ દરમિયાન અમદાવાદના ઓઢવમાં વિઝા એજન્ટ તરીકે કામ કરતા કૃપાલ રાવલ અને નિલેશ શાહનો સંપર્ક થયો હતો.આ બંને એજન્ટોએ મળીને પરેશ દેસાઇને તેમના પુત્રને કેનેડાના વર્ક પરમીટ કરાવી આપવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા.આ દરમિયાન તેઓએ અમદાવાદ તેમની ઓફિસ પર બોલાવીને પૈસા માંગેલ અને તે માટેની રકમ ચુકવી આપી હતી.

પુત્રને કેનેડા મોકલવા માટે કાર્યવાહી કરવા માટે એજન્ટ કૃપલ અને નિલેશે દસ્તાવેજો અને ફીની રકમ માંગી હતી. આ માટે અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ઓઢવ વિસ્તારમાં રશ્મી ગ્રોથ હબ ખાતે આવેલી તેમની ઓફિસમાં રુબરુ બોલાવેલ હતા. તેમજ આ માટે ચાર લાખ રુપિયાની માંગણી કરી હતી.જે ચાર લાખ રુપિયા ચુકવતા તેઓએ આગળની કાર્યવાહી શરુ કરવાનું જણાવેલ. આમ પરેશ દેસાઇએ પુત્ર અંકિતના વર્ક પરમીટ માટેની જરુરી કાર્યવાહી બંને એજન્ટોએ દર્શાવ્યા મુજબ કરી હતી તેમને દસ્તાવેજો તેમજ રકમ આપેલ. જ્યારે વિઝા આવ્યા બાદ વધુ છ લાખ રુપિયા આપવાની વાત કરી હતી. આમ દશ લાખ રુપિયા વિઝા મળવાને લઈ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. પરંતુ ચાર લાખ રુપિયા લઇને તેમની સાથે છેતરપિંડી આચરી હતી.

છતાં વિઝા અંગે કોઇ જ આગળ કાર્યવાહી નહીં થતા ફરીથી બંને એજન્ટોને આ અંગેની જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપતા નહોતા. આખરે 25 હજાર રુપિયા તેમને પરત કર્યા હતા. જ્યારે બાકીના 3.75 લાખ રુપિયા પરત નહીં કરીને તેમનો સંપર્ક નહીં થતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો.જેને લઈ ઇડર પોલીસે કૃપલ ચંદ્રકાન્તભાઇ રાવલ અને નિલેશ શાહ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. બંનેની ધરપકડ કરવા માટે ઇડર પીઆઇ અને તેમની ટીમે કાર્યવાહી શરુ કરી દીધી છે.