કૌભાંડ@પંચમહાલ: માલસામાન આપ્યા/લીધા વગર 2.79 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઉપાડી લીધી, એજન્સીઓ કૌભાંડી નિકળી

 
પંચગમહાલ
કુલ 2 સરકારી કર્મચારી અને 4 એજન્સીના ઠેકેદારો સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ

​​અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી કરીને  સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે 2.79 કરોડ રૂપિયાથી વધુની રકમની ઉચાપત કરતા બે કરાર આધારીત કર્મી અને ચાર એજન્સીઓ સામે ફરીયાદ ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. વર્ષ 2024થી 2026 દરમિયાન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની કચેરી, સમગ્ર શિક્ષા, જિલ્લા પંચાયત ગોધરા ખાતે  કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

 

કચેરીના હિસાબી અધિકારી (વર્ગ-2) રણજીતસિંહ રાઠોડ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરાર આધારીત કર્મચારી પૂજન જોષી અને નિતિન પટેલે સરકારી ધારા ધોરણ મુજબ સાધનોની ખરીદી નહીં કરીને બનાવટી બિલો બનાવીને બિલોને સાચા તરીકે ઉપયોગ કરીને સરકારી ગ્રાન્ટમાં નાણા ખાનગી એજન્સીઓ ચુકવણુ કરી દીધું છે. સર્વ શિક્ષા અંતગર્ત શાળાઓમાં એજન્સી દ્વારા  સાધનો નહીં આપીને આર્થીક લાભ મેળવવા બદઇરાદાપુર્વક પડયંત્ર રચીને મેળાપણાપણાથી સરકારી નાણા કુલ 2,79,59,816 રૂપિયાની ઉચાપત કરી છે.

સરકારી ખરીદી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન કરી ખોટા અને બનાવટી બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી નાણાં એજન્સીઓના ખાતામાં જમા કરાવી હતી.આ એજન્સીઓએ કોઈપણ પ્રકારના સાધનો પૂરા પાડ્યા વગર માત્ર કાગળ પર વ્યવહારો બતાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂજનકુમાર રમેશચંદ્ર જોષી (રહે. હિંમતનગર, સાબરકાંઠા), નિતિનકુમાર જયંતીભાઈ પટેલ (રહે. હિંમતનગર, સાબરકાંઠા), જે.એસ. કોમ્પ્યુટરના માલિક (ગોધરા), શ્રી રામ એન્ટરપ્રાઈઝના માલિક (રાજકોટ), વેદીકા એન્ટરપ્રાઈઝના માલિક (રાજકોટ) અને અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સના માલિક (રાજકોટ) સહિતના 6 ઈસમો કૌભાંડી નિકળ્યા છે. કૌભાંડમાં હજુ પણ અન્ય મોટાં માથાઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કરાર આધારિત કર્મચારીઓ એ ખાનગી એજન્સીઓ સાથે મળીને બનાવતી દસ્તાવેજો બનાવીને કરવામાં આવ્યા હતા.

આ નાણાકીય કૌભાંડમાં કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બનાવટી સહીઓ કરીને સરકારી ગ્રાન્ટો ખાનગી એજન્સીઓના ખાતામાં જમા કરાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. બંને ભેજબાજો શિક્ષણ અધીકારીઓ વાઉચર અને બિલોની તપાસણી કરે તો ભાંડો ફુટવાની ભીકે ભેજાબાજો પ્રાથમિક શિક્ષણ અધિકારી રજા પર હોય ત્યારે, તેની બનાવટી સહીઓ કરીને ખોટા હુકમો બનાવી તેમજ બનાવટી બીલો બનાવી કરોડો રૂપિયાના નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

કરાર આધારિત બંને કર્મચારીઓએ પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કોમ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસ બનવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્માર્ટ બોર્ડ સહિતની મશીનરી અને ફાયર સેફટીના સાધનોની ખરીદીના ખાનગી એજન્સીઓ સાથે મેળાપીપણું કરી માત્ર બોગસ બીલો રજુ કરી 2.79 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.