કૌભાંડ@તાપી: ટેન્ડર વગર બારોબાર અનાજના ભાવો વધારી દીધા, શાળામાં કરિયાણાના વેપારી માટે નિયમો નેવે

 
તાપી
કમિશ્નર કચેરીની ગ્રાન્ટના કામોમાં અનેક કૌભાંડો કર્યા હોવાની બૂમરાણો ઉઠી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


તાપી જિલ્લામાં આદીજાતી વિકાસ વિભાગે જળમૂળથી ભ્રષ્ટાચારના મૂળિયાં શોધી ઉખેડી નાખવા પડે તેવી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. કોરોના કાળ પહેલાં કરેલ અનાજના ટેન્ડરના ભાવો પછીના વર્ષોમાં બારોબાર વધારી દીધા હોવાનું વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાયોજના વહીવટદારના વહીવટી હુકમ બાદ મદદનીશ કમિશ્નર કચેરીના સત્તાધિશોએ અસલ ટેન્ડરમાં આવેલ ભાવો મંજૂર કર્યા પરંતુ ત્યારબાદ નવું ટેન્ડર કરવાને બદલે જૂના ટેન્ડરના ભાવોથી અનેકગણા ભાવો વધારી આપ્યા હતા. સ્પેશ્યલ કરિયાણાના વેપારી માટે આદીજાતી વિભાગ અને શાળાના તેમજ ખરીદી બાબતના નિયમો નેવે મૂક્યા છે. આવું કરીને સરકારને સરેરાશ 3 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે. કોણે અને કેવી રીતે આદીજાતી કમિશ્નર અને સચિવના ડર વગર સ્પેશ્યલ વેપારી માટે મહાકાંડ કર્યો તે જાણીએ.


તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ પ્રાયોજના વહીવટદારની કચેરીના અધિકારીના અધ્યક્ષ સ્થાને ગત તા. 30/7/2018ના રોજ જાવક નંબર 4634થી 4643થી અનાજના ભાવો મંજૂર થયા હતા. આ પછી સદર ભાવો મદદનીશ કમિશ્નર, વ્યારાનાઓએ તા.16/82018 ના રોજ જાવક નંબર 2731થી 2733 દ્વારા ભાવોને મંજૂરી આપી હતી. આ પછી વર્ષ 2019-20થી  2020-21 કોરોનામાં ગયા ત્યારે આ દરમ્યાન પણ નવી ટેન્ડર પ્રક્રિયા ફરીથી થવી જોઈએ પરંતુ તેમ થયું નહિ. આ પછી તા. 22/2/2021 થી અસલ ટેન્ડરના તે જ વેપારીને પ્રાયોજના વહીવટદારની મંજૂરી વગર બારોબાર એકબીજાના મેળાપીપણામાં ભાવ વધારો આપી સરકારને અંદાજીત 3.40 કરોડનુ નુકસાન પહોંચાડ્યું છે. વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ખોટી રીતે અને સરકારશ્રીની નિયત નિયમાનુસાર ખરીદ પ્રક્રિયાને અનુસર્યા વગર ભાવવધારો કરી આપી પ્રાયોજના વહીવટદારથી માંડી કમિશ્નર અને વિભાગના સચિવને ગેરમાર્ગે દોરી સરકારના નાણાંકીય હિતો વિરુદ્ધમાં નાણાંકીય અનિયમિતતા આચરી છે. સદર વિષયે સોનગઢ સ્થિત પ્રાયોજના વહીવટદારને ધ્યાને દોર્યું ત્યારે હવે પછી અમે ટેન્ડર કરીશું તેમ કહ્યું પરંતુ અગાઉ ગેરરીતિ આચરી તેનું શું? આ સમગ્ર વહીવટી, નાણાંકીય અને પારદર્શકતા તેમજ નિયમોને સરકારના હિતમાં નહિ કરીને અધિકારી અને વેપારીના મેળાપીપણામાં કૌભાંડ આચર્યું છે. સૌથી મોટો સવાલ થાય કે, અનાજ કરિયાણાના ભાવો, ચૂકવણું અને અસલ ટેન્ડરની તપાસ નહિ કરીને વેપારી પાસેથી વસૂલાત કેમ નથી કરવામાં આવતી? આ ભયંકર કૌભાંડ, પૂર્વ આયોજિત બાબતે સદર વર્ષ દરમ્યાન આવતાં મદદનીશ કમિશ્નરોએ પણ જાણે ગંગામાં ધોઈ તપાસ નથી કરી કેમ‌??


હવે તબક્કાવાર સમજવા એક પછી એક રીપોર્ટમાં જાણીએ 

ચોક્કસ વેપારીએ મદદનીશ કમિશ્નર કચેરીની ગ્રાન્ટના કામોમાં બીજા અનેક કૌભાંડો કર્યા હોવાની બૂમરાણો ઉઠી રહી છે. આ વેપારીની એટલી ધાક છે કે, કોઈ આચાર્ય કે કચેરીના માણસો બોલવા તૈયાર નથી. અત્યારે જે બીલો બન્યા છે તેનાથી ડબલ બીલો વીતેલા વર્ષોમાં બનેલા છે. જેની તપાસ થવી તાત્કાલિક અસરથી જરૂરી છે. અમોએ લાગતાં વળગતાને પૂછતાં જણાવ્યું કે, અમારૂં કંઈ ચાલે નહિ, એ વેપારી બીલ આપે તે અમારે બનાવી દેવું પડે. આચાર્ય અને વોર્ડનના સૂત્રોએ નામ નહિ આપવાની શરતે ચોંકાવનારી માહિતી આપી છે.