જુઓનાગરિકો@ગુજરાત: 152 બ્રિજના સ્ટ્રક્ટર તપાસવા આદેશ છતાં લાંબો સમય ઊંઘતું રહ્યું આર&બી વિભાગ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
વડોદરા પાસે ગંભીરા બ્રિજના તૂટવાથી અનેક જીંદગીઓ ચાલી અને તેમના પરિજનો કાયમી ધોરણે તૂટી ગયા ત્યારે સરકારે તાબડતોબ તમામ બ્રિજની ચકાસણી હાથ ધરી છે. આ ઘટના બની એટલે જાગ્યા ત્યારથી સવાર એવું નથી તમને આ ન્યૂઝ રીપોર્ટ વાંચી હચમચી જશો અને આ વ્હાઈટ કોલર બાબુઓ કેટલા હદે તમારા જીવનની બાબતો પ્રત્યે બેદરકાર છે તે જાણો. ગુજરાતમાં સુપ્રીમ કોર્ટની કમિટીના આદેશની અમલવારી કરતી અને સ્પેશ્યલ રોડ સુરક્ષાની જવાબદારી સંભાળતી ઓથોરિટીના હુકમને પણ ગંભીરતાથી લેતું નથી આર એન્ડ બી વિભાગ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ અગાઉ 152 બ્રિજના બીજા તબક્કાના માળખાકીય સ્ટ્રક્ચરની તપાસ માટે પ્રક્રિયા હાથ ધરેલી ત્યારે ખૂબ લાંબા સમય સુધી વિભાગે જિલ્લાવાર બ્રિજની યાદી પણ આપી નહોતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, માર્ચ 2022 માં મંગાવેલી બ્રિજોની માહિતી ઓક્ટોબર 2023 સુધી અપાઈ નથી. ઓથોરિટીની હાઈ લેવલની મિટિંગમાં રજૂ થતાં એક્શન ટેકન રિપોર્ટમાં આ સમગ્ર બાબતે ઘટસ્ફોટ થયો છે ત્યારે આર એન્ડ બીના જવાબદાર ઈજનેરો સામે કાર્યવાહી કેમ નહિ તે સવાલ થાય છે. વાંચો સમગ્ર અહેવાલ.
ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી કાયદો 2018 લાગુ છે અને આ કાયદા હેઠળ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી કાર્યરત છે ત્યારે આ ઓથોરિટીની કામગીરી અને જવાબદારી વિશે બહું ઓછાં લોકોને ખબર હશે. આ ઓથોરિટીને નિયમાનુસાર કામ કરવાનું હોય અને સાથે સુપ્રીમ કોર્ટની કમિટી ઓન રોડ સેફ્ટીના આદેશનું પણ પાલન કરવાનું હોય છે. ગાંધીનગર ખાતે આવેલી આ ઓથોરિટીની વખતોવખત મિટિંગ થતી હોય ત્યારે રાજ્યના બ્રીજ બાબતે ગત 25 માર્ચ 2022ના રોજ કુલ 152 બ્રીજના સ્ટ્રક્ચરનુ બીજા તબક્કાનુ એસેસમેન્ટ હેતુ એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. આ પછી 25 ઓક્ટોબર 2023ના રોજ મળેલી મળેલી મિટિંગમાં નોંધવામાં આવ્યું કે, જિલ્લા મુજબ બ્રીજની યાદી મંગાવેલી છતાં વિભાગે સદર તારીખ સુધી આપી નથી. એટલે કે, સવા વર્ષ ઉપરનો સમય વીતી ગયો છતાં બ્રીજની યાદી પણ પહોંચી નથી. નીચેના ફકરામાં વાંચો વધુ ઘટસ્ફોટ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત તારીખ દરમ્યાન રોડ સેફ્ટી ઓથોરિટીએ એવી કુલ 193 જગ્યા શોધી કે જ્યાં પુલ કે જળાશય આસપાસ ક્રેશ બેરિયર્સ લગાવવાની જરૂરિયાત બતાવી હતી. આ માટે પણ મિટિંગમાં નોંધવામાં આવ્યું કે, સુચનાઓ છતાં એક્શન ટેકન રિપોર્ટ મળેલ નથી એટલે ક્રેશ બેરિયર્સની સ્થાનવાર યાદી આપવાનો નિર્દેશ થયો હતો. આ તો થઈ બ્રીજની વાત પરંતુ આ સિવાય પણ અનેક કિસ્સાઓમાં ઓથોરિટી નેશનલ હાઇવેને પણ કડક સુચનાઓ આપેલી છતાં ખૂબ વિલંબથી કામગીરી થઇ હોવાનું મિટિંગમાં જ સામે આવ્યું છે. આ રોડ સેફ્ટી ઓથોરિટીનું કામ જ રોડ ઉપર જતાં રાહદારીઓથી માંડી વાહનચાલકોની સંપૂર્ણ સુરક્ષા જાળવવાનું છતાં આટલા હદે એકબીજા વિભાગ/અધિકારીઓ વચ્ચે કામગીરીમાં બેદરકારી છે.