આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા નજીક પાલોદર ગામે જોગણી માતાનાં મેળાનો પ્રારંભ થયો છે. જેમાં પરંપરા મુજબ ખેડૂતો માટે શુકન જોવામાં આવ્યા હતા. વરતારા મુજબ આગામી વર્ષ એકંદરે સારું રહેશે તેવું કહેવામાં આવ્યું હતું. મેળાનાં પ્રથમ દિવસે દૂર દૂરથી શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે.મહેસાણા નજીક આવેલા યાત્રાધામ પાલોદરમાંં પરંપરાગત બે દિવસીય ચોસઠ જોગણી માતાજીના મેળાનો પ્રારંભ થયો છે. રવિવારે મેળાના પ્રથમ દિવસે યજુર્વેદમાં જણાવ્યા મુજબ ખેડૂતો માટેનાં શુકન જોવા સહિતની પરંપરાગત વિધિ કરવામાં આવી હતી. જેમાં ગામનાં કુવેથી પનિહારીઓ દ્વારા પાણી ઉંચકી ચોકમાં મુક્યા હતા.

પાલોદર ગામના બળદેવભાઈ દેસાઇએ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી વરતારા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતો માટે એકંદરે આ વર્ષ સારું રહેશે એટલે કે 13 આની વર્ષ રહેશે. વધુમાં સિઝફૂલ વાળા પાક સારા થશે. એટલે કે રાયડો બાજરી સહિતના પાક સારા થઈ શકે છે. જ્યારે ધાતુઓમાં સોનું અને તાંબામાં તેજી રહી શકે છે.

માળી દ્વારા જે ફૂલ આવ્યા તેનું પરંપરાગત રીતે નિરીક્ષણ કરાયું હતું. તેમાં પીળા ફૂલો સૌથી વધુ જોવા મળ્યા હતા. તેના ઉપરથી પણ વર્ષ એકંદરે સારું રહી શકે એવો વરતારો જોવા મળ્યો હતો. જે વ્યક્તિ ઉપર હાર આવ્યો હતો તે સાદાઈવાળા અને સરળ વ્યક્તિ છે.

ચોમાસા અંગે જણાવ્યું હતું કે, જેઠ માસમાં એક સારો વરસાદ થઇ શકે છે. જ્યારે અષાઢમાં વરસાદ તો ખેડૂતલક્ષી થશે પણ થોડી રાહ ચોક્કસ જોવી પડે તેવો વરતારો જોવા મળ્યો હતો. જ્યારે શ્રાવણ અને ભાદરવામાં વરસાદ ખેડૂતોને અનુરૂપ સારો રહેશે. જોકે નવરાત્રીમાં પણ વરસાદ વરસી શકે તેવું વરતારામાં જોવા મળ્યું હતું.

આમ પ્રથમ દિવસે ખેડૂતલક્ષી શુકન જોવા માટે સમગ્ર ગુજરાત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શુકન બાદ માતાજીના દર્શન કરી લોકોએ મેળાની મજા માણી હતી.  સોમવારે મેળાના બીજા દિવસે મહાકાળી માતાજીની સળગતી સગડીઓ નીકળશે. જેના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

મેળાના સફળ આયોજન માટે ગ્રામ પંચાયત તેમજ મહેસાણા વહીવટીતંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે. મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટતા દર્શનાર્થીઓની દોઢ કિલોમીટર જેટલી લાંબી કતારો જોવા મળી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code