ગંભીર@મહેસાણા: ઠેરઠેર મચ્છરોનો ઉપદ્રવ, જોખમી માટીના ઢગલા, VIP વિસ્તારની હાલત દયાજનક

 
Mahesana
દબાણો દૂર થતાં સિમેન્ટ રેતી સાથે માટીના ઢગલાઓ ઠેરઠેર સર્જાયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

મહેસાણા મહાનગરપાલિકા જાહેર થતાં જ ગાંધીનગરથી કરોડોની ગ્રાન્ટનો ફ્લો શરૂ થયો અને રહીશો રાજીના રેડ થઈ ગયા પરંતુ આજે છેલ્લા કેટલાક સમયથી રાધનપુર રોડ ઉપર પરિસ્થિતિ ત્રાસદાયક બની છે. મહાપાલિકાના સત્તાધિશોએ યુધ્ધના ધોરણે પોશ વિસ્તાર ગણાતાં રાધનપુર રોડ ઉપરથી દબાણો હટાવી દીધા હતા. આ કામગીરી જોરશોરથી થઈ પરંતુ દબાણ હટ્યા પછીનો મંજર ચોંકાવનારો બન્યાં પછી આજે વરસાદી મોસમમાં ગંભીર બનતો જાય છે. ઠેરઠેર માટીના ઢગલા, વરસાદને લીધે માટીની આસપાસ પાણીનો ભરાવો, કિચ્ચડ અને મચ્છરોનો ઉપદ્રવ બેફામ થયો છે. ઉનાળાના અંતિમ ચરણમાં ભેગો થયેલો દબાણનો વેસ્ટ આજેપણ યથાવત છે. ક્યાંક નજીવો કચરો દૂર કરી મહેસાણા મહાપાલિકાના સત્તાધિશો ઈન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરે છે. જોકે આજે રાધનપુર રોડની હાલતથી અનેક વેપારીઓ, નજીકના રહીશો અને ગ્રાહકો દુકાન કે બેંકના પગથિયાં સુધી જતાં ફુંકી ફુંકીને આગળ વધે છે. ભયંકર ચિત્ર ઉભું કરનારા અને મચ્છરોને બેફામ મોકળું મેદાન આપનારાઓને બહાર લાવવા આ સ્પેશ્યલ રિપોર્ટ.

મહેસાણા મહાનગરપાલિકાએ કરોડોના વિકાસ કાર્યો શરૂ કર્યા છે તે ખૂબ આવકારદાયક છે પરંતુ રોજેરોજ તકલીફ અને દુઃખ આપતી પરિસ્થિતિ રાધનપુર રોડ ઉપરથી સંપૂર્ણ અને કાયમી દૂર થઈ નથી. ગત ઉનાળામાં રાધનપુર રોડ અને મોઢેરા રોડ ઉપર જેસીબીઓનો મારો ચાલુ રાખી ગણતરીના દિવસોમાં કમિશ્નરના વડપણ હેઠળની ટીમે ગેરકાયદેસર દબાણો કડડભૂસ કર્યા હતા. આ દબાણો દૂર થતાં સિમેન્ટ રેતી સાથે માટીના ઢગલાઓ ઠેરઠેર સર્જાયા હતા. આ પછી અનેક મહિના વીત્યા છતાં બિન ઉપયોગી અને નડતરરૂપ ઢગલાઓ જૈસે થે રહ્યા ત્યારે સવાલ ઉભો થયો કે આ માટીનો અને વેસ્ટનો નિકાલ વેપારીઓ કરશે કે મહાનગરપાલિકા? આ તમામ કશ્મકશ વચ્ચે ચોમાસું બેસી જતાં વરસાદી માહોલમાં આજે રાધનપુર રોડની હાલત તો દયાજનક બની છે પરંતુ એથી વધુ ખરાબ હાલત માણસોની બની છે. ઠેરઠેર નડતરરૂપ ઢગલાઓ અને આસપાસ મચ્છરો અને પાણીના ખાબોચિયાં તેમજ માટી-પાણીના મિશ્રણથી થતો ભયજનક રસ્તો ડરામણો અને જોખમી બન્યો છે. વાંચો નીચેના ફકરામાં આ બેદરકારી અથવા ઈરાદાપૂર્વકની નિષ્કાળજીના જવાબદારો કોણ?

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર દબાણો જેતે વેપારી અથવા દબાણકર્તાના હતા પરંતુ સમયસર દૂર નહિ થતાં ખુદ મહાનગરપાલિકાના કમિશ્નરની સુચનાથી દૂર થયા. હવે આ નડતરરૂપ અને જોખમી તેમજ માંદગીના ખાટલા સર્જે તેવો વેસ્ટ દૂર કોણ કરે ? ક્યારે કરે? આ બાબતે બે સંભાવના હોઈ શકે. ખુદ વેપારીઓ અથવા મહાનગરપાલિકાના સત્તાધીશો. આટલા મહિનાઓ વીતી ગયા છતાં વેપારીઓ દૂર નથી કરી શક્યા તો મોટા ઉપાડે અને યુદ્ધના ધોરણે દબાણો દૂર કરી શકતી મહાનગરપાલિકા શું કરે છે. જો નિયમ એવો હોય કે, વેપારીઓની જવાબદારી તો મહાપાલિકાના સત્તાધિશો પાલન કરાવવા નિષ્ફળ છે? જો મહાનગરપાલિકાની જવાબદારી હોય તો કમિશ્નરને આ નડતરરૂપ જોખમી, ડરામણો મંજર નથી ખબર ? શું કહ્યું કમિશ્નરે એ પણ વાંચો નીચેના ફકરામાં.


આ બાબતે અમોએ સતત મહેસાણા મહાનગરપાલિકા કમિશ્નર રવિન્દ્ર ખટાલેનો વારંવાર સંપર્ક કરતાં પાણીનો ભરાવો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી જણાવી વાત ટૂકાવી દીધી પરંતુ આ નડતરરૂપ અને જોખમી ઢગલાઓ કોણ અને ક્યારે દૂર કરશે તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું.