સેટિંગ્સ@દ્રારકા: સીસીટીવીની ખરીદીમાં બનાવટી ભાવ ઓફર, પાલિકાએ કેમ આપ્યું મોકળું મેદાન
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દ્વારકા નગરપાલિકાએ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદી કરતાં દરમ્યાન સરકારના નાણાંકીય હિતને દરકિનાર કરવાની ફાવટ લીધી છે??. અગાઉની સોલાર, સ્ટ્રીટ લાઈટ ખરીદીમાં પણ એજન્સીઓ વચ્ચે રિંગ થઈ અને તેને જાણીજોઈને નજર અંદાજ કર્યા બાદ વધુ એક ખરીદીમાં તમે કલ્પના ના કરી શકો તેવી કામગીરી કરી છે. જે બીડનો અભ્યાસ કરી દ્વારકા નગરપાલિકાએ એસ્ટિમેટ બીડ વેલ્યુ સાથે ટેન્ડર કર્યું તેમાં એજન્સીઓ વચ્ચે પૂર્વ આયોજિત રિંગ થયાનું બનાવટી રિવર્સ ઓક્શન આધારે ધ્યાને આવ્યું છે. આમ છતાં પણ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ગઢવી અને એન્જિનિયર મકવાણા બધું બરાબર હોવાનું રટણ કરી ઈરાદાપૂર્વક તપાસ કરતાં નથી. આ ટેન્ડરમા જે થયું તેનાથી એક વાત સામે આવી કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસથી ખરીદી દરમ્યાન સ્પર્ધાનો કોઈ હેતુ નથી રહેતો અને બેફામ ભાવોને પણ વર્ક ઓર્ડર રૂપે મંજૂરી આપી મોકળું મેદાન કરી અપાય છે. જાણીએ સમગ્ર અહેવાલ.
જામનગર નજીક આવેલી અને રાજકોટ રિજીઓનલ મ્યુનિસિપલ કમિશ્નર હેઠળ આવતી દ્વારકા નગરપાલિકાએ ટેન્ડર નં. GEM/2026/B/7292430 હેઠળ સીસીટીવી કેમેરા સહિતની ખરીદી કરવા પ્રક્રિયા કરી છે. રૂપિયા 56.48 લાખના એસ્ટિમેટ બીડ વેલ્યુ સાથે ખરીદી કરતાં દરમ્યાન ટેકનિકલ ચકાસણી થઇ પછી રિવર્સ ઓક્શન ઓપન કર્યું હતુ. હવે આ બીડમાં ખરીદનાર કચેરી અને અધિકારીઓએ સંપૂર્ણ અભ્યાસ કરી પારદર્શક સ્પર્ધાથી કામગીરી હાથ ધરી ત્યારે આર.એ દરમ્યાન બનાવટી ભાવ હરિફાઈ થઈ ગઈ. એજન્સીઓએ ઈરાદાપૂર્વક એસ્ટિમેટ બીડ વેલ્યુથી ઉપર જઈ રૂ. 59.68 લાખથી રૂ. 63.27 લાખ સુધીના ભાવ ઓફર કર્યા. હવે અહિંથી શરૂ થાય છે બાયર અને સેલર કેવીરીતે સરકારના નાણાંકીય હિતોને દરકિનાર કરે તેની મોડસ ઓપરેન્ડી, વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું, દ્વારકા નગરપાલિકાએ બજાર સ્થિતિનો અને અન્ય બીડનો અભ્યાસ કરી ટેન્ડર તૈયાર કર્યું ત્યારે એસ્ટિમેટ બીડ વેલ્યુ ઉપર ભાવ ઓફરને કેવીરીતે અને કેમ મંજૂર કર્યા? એસ્ટિમેટ બીડ વેલ્યુની અંદર સ્પર્ધા એટલે કે, ભાવ ઓફર થવાની જોગવાઈ અને આશા ખરીદનાર એવી દ્વારકા નગરપાલિકાએ રાખી હતી તો પછી સ્પર્ધા તોડી બેફામ અને મનસ્વી ભાવ ઓફર કેમ થયા અને કેવીરીતે તાત્કાલિક મંજૂર પણ થયા?? આ બાબતે જ્યારે ચીફ ઓફિસર ગઢવીને ફોન કરતાં વારંવાર એક જ વાત કરે, એન્જિનિયર મકવાણાને વાત કરો, હું ફ્રી નથી. આ તરફ એન્જિનિયર મકવાણાને પૂછીએ ત્યારે જોઈ લઉં કહે પરંતુ ટેન્ડરમા એજન્સીઓની રિંગ વિરુદ્ધ કોઈ કામગીરી થતી નથી. અહિં હવે સવાલ થાય કે, રાજકોટ રિજીઓનલ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીના પ્રામાણિક અને ભ્રષ્ટાચાર વિરોધી આર.સી.એમ ક્યારે અને કેવીરીતે ટેન્ડરના સેટિંગ્સ વિરુદ્ધ કામગીરી કરે તે જોવું રહ્યું.

