સેટિંગ્સ@ગાંધીનગર: લાઈબ્રેરી નિયામકના કરોડોના અનેક ટેન્ડરમા રમકડાંની 3 એજન્સી વચ્ચે બનાવટી સ્પર્ધા

 
Gandhinagar
ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી થતી ખરીદીમાં સેટિંગ્સનો ચોંકાવનારો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગાંધીનગર સ્થિત રમતગમત વિભાગ હેઠળની લાઇબ્રેરી નિયામકની કચેરી દ્વારા ઉપરાછાપરી તબ્બકાવાર કરોડોના ટેન્ડર આવી રહ્યા છે. અનેક ટેન્ડરો પૂર્ણ થયા તો કેટલાક પ્રગતિ હેઠળ પણ છે ત્યારે વેપારમાં સેટિંગ્સનો સૌથી મોટો ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. સ્માર્ટ ગ્રંથાલયના અનેક ટેન્ડરમા ગમે તેવા વેપારી, ગમે તેવા જાંબાઝ બિઝનેસમેન આવે પરંતુ ક્વોલિફાય તો એક જ પરિવારની 3 એજન્સીઓ જ આવે છે. એક એવી પરિસ્થિતિ બનાવી દીધી કે, ટેન્ડર ભલે ગમે તે ભરે પરંતુ ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા એજન્સી જ ટેકનિકલમા પાસ થાય છે. આ પછી આ ત્રણેય એજન્સીઓ નામ માત્રની દેખાડો કરવા પૂરતી બનાવટી ભાવ હરિફાઈ કરે અને આખરે પૂર્વ આયોજિત સેટિંગ્સવાળી એજન્સીને એલ1 કરાવવા 2 એજન્સી મદદ કરે છે. આ સમગ્ર રણનીતિ અને સેટિંગ્સની જાણ ખરીદનાર કર્મચારી અને ખુદ લાઇબ્રેરી નિયામકને હોવા છતાં આંખ આડા કાન ઈરાદાપૂર્વક કરે છે. તેનો સ્પેશિયલ ન્યૂઝ રીપોર્ટ અહિં જાણીએ.


રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ ગ્રંથાલય નિયામક એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ લાઇબ્રેરીની કચેરી આવે છે. હમણાંથી આ કચેરી દ્વારા લાઇબ્રેરી સંબંધિત વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા પરંતુ તેમાં ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી થતી ખરીદીમાં સેટિંગ્સનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. નગરપાલિકા વિસ્તારમાં આ કચેરી દ્વારા સ્માર્ટ ગ્રંથાલય માટે વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદે છે તેમાં ભૂતકાળમાં અનેક આવી ખરીદીમાં સૌથી વધું એક જ ગૃપ રહ્યું છે. સ્માર્ટ ગ્રંથાલય માટે ચાર કરોડથી વધુની ખરીદીઓ થાય ત્યારે ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા એજન્સી જ માન્ય થાય અને શાહબંધુ પરિવારની આ ત્રણેય એજન્સીઓ અંદરોઅંદર રિંગ કરી બનાવટી ભાવ સ્પર્ધા કરી એવોર્ડ સુધી પહોંચે છે. ટેન્ડર નં. GEM/2026/B/7657377 થી રૂપિયા 4.5 કરોડની બીડ વેલ્યુ સાથે ખરીદ પ્રક્રિયા થઈ ત્યારે આર.એ દરમ્યાન ઉપર મુજબની ત્રણ‌ એજન્સીઓ શાહબંધુ પરિવારની વચ્ચે નાટ્યાત્મક ભાવ ઓફર થયા. આ બાબતે વારંવાર લાઇબ્રેરી નિયામકને ધ્યાને મૂકતાં સવાલો કરતાં ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ બધું કરતું હોવાનો બનાવટી અને લૂલો બચાવ કર્યો હતો. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા નહિ માત્ર લાઇબ્રેરી નિયામક પરંતુ આ પ્રકારની ખરીદીમાં અનેક જગ્યાએ આ ત્રણ એજન્સી વચ્ચે જ આર.એ થાય છે. આ માટે ટેન્ડર ઓનલાઇન આવતાં પહેલાં ખરીદનાર અને વેપારી વચ્ચે સીધું યા નેતા યા એજન્ટ મારફતે વાતચીત અને સમજૂતીનો દોર ચાલે છે ત્યારે આખરી મંજૂરી મળે છે. જો લાઇબ્રેરી નિયામકની કચેરી દ્વારા પાછલા એક વર્ષમાં થયેલા કરોડોના ટેન્ડરની સીઆઇડી ક્રાઇમ આર્થિક ગુના શાખા દ્વારા ઘનિષ્ઠ અને પારદર્શક તપાસ થાય તો અતિ ચોંકાવનારી વિગતો મજબૂતાઇ સાથે બહાર આવે તેમ છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં કોણ છે એજન્સીઓના આકા અને તેમના વચ્ચે કેવા છે સામાજિક અને વ્યાપારી સંબંધો તેનો પણ ઘટસ્ફોટ જાણીશું.