આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહા મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે. ચૌદશની પ્રદોષ વ્યાપિની. નિશીથ (અર્ધરાત્રિ) – વ્યાપિની અને ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.

સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીએ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી અને કાળક્રમે મનુષ્યોને પણ તેની જાણ થઇ.

ઓછી પ્રચલિત એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ (સમુદ્રમંથન દરમ્યાન નીકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.

ભવનાથ મહાદેવ :

ભવનાથ મહાદેવને લોકભાષામાં, ભાવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. શિવજીનાં વારાણસી, કુરૃક્ષેત્ર, નર્મદામાંના નિવાસથી જે દર્શન લાભ મળે છે. તેવું જ ફળ ભવનાથ મહાદેવનાં દર્શન માત્રથી મળે છે.

સંત, શૂર અને સાવજની સોરઠ ભૂમિમાં દૈદીપ્યમાન રૈવતાચળ પરગિરનાર પર્વત બિરાજમાન છે. અહીં ચૌર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે તો આદ્યગુરૃ દત્તાત્રેય ભગવાનનાં બેસણા પણ છે. આવા ગરવા ગિરનારની ગોદમાં પૌરાણિક ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જયાં દર વર્ષે મહાશિવરાત્રિ પર ભરાતા મિની મહાકુંભનું અનેરૃં મહત્વ છે.

આપણાં દેશમાં ઉજ્જૈન, અલ્હાબાદ, ત્ર્યંબકેશ્વર અને હરદ્વારમાં દર ત્રણ વર્ષે એકવાર કુંભ મેળો અને ૧૨ વર્ષે મહાકુંભ યોજાય છે. જ્યારે પર્વતાધિરાજ ગિરનાર સાનિધ્યે ભવનાથનો આ મિની મહાકુંભ પ્રતિવર્ષ મહાવદનોમથી મહાશિવરાત્રિ પર્વ પાંચ દિવસ માટે યોજાય છે.

મહાશિવરાત્રિ પર, ગિરનારની તળેટીમાં ભરાતા આ પરંપરાગત મેળામાં દેશ- વિદેશમાંથી દસલાખથી પણ વધુ ભાવિકો ઉમટી પડતા હોય છે, ત્યારે ભજન- ભક્તિ ભોજન પ્રસાદની આહલેક સાથે જય ગિરનારી હરહર મહાદેવનાં જયઘોષથી ગિરિકંદરાઓ ગુંજી ઉઠતી હોય છે.

જેના સાનિધ્યમાં, આકાર અને નિરાકારનાં મિલનની એવી મહારાત્રિ,નો પાંચ દિવસીય મહાકુંભ યોજાય છે. તેવા ભવનાથ મહાદેવની પ્રાગટય કથા પૌરાણિકગ્રંથોમાં સુંદર રીતે વર્ણવી છે. અહિં વૈશાખ સુદ પૂનમનાં દિવસે ભગવાન મહાદેવ સ્વયં પ્રગટ થયા હતા. પૂર્વકાળમાં જ ભગવાન ભોળાનાથે ગિરનારનાં ખોળે પોતાનું આસન જમાવ્યું હતું.

ભવનાથ મહાદેવને લોકભાષામાં, ભાવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. શિવજીનાં વારાણસી, કુરૃક્ષેત્ર, નર્મદામાંના નિવાસથી જે દર્શન લાભ મળે છે. તેવું જ ફળ ભવનાથ મહાદેવનાં દર્શન માત્રથી મળે છે. સ્કંદ પુરાણમાં પણ એવો ઉલ્લેખ જોતા મળે છે કે શિવરાત્રિનાં પાવનકારી પર્વમાં ભવનાથનાં દર્શનથી સાત પાપો નો નાશ થાય છે. એજ પ્રમાણે ભવનાથ મંદિરમાંનાં સંકુલમાં આવેલા મૃગીકુંડ, અને તેનામાં સ્નાનનો મહિમા પણ એટલો જ પૌરાણિક છે.

આ કુંડની સ્થાપના પાછળ એક પ્રાચિન કથા રહેલી છે. કનોજનાં ભોજ નામનાં એક રાજા અને તેમની મૃગી મુખવાળી રાણી સાથે ગિરનાર પર્વતની યાત્રા અને પ્રદક્ષિણા કરેલી. ત્યારે જે સ્થળે પોતાના તથા પોતાની રાણીનાં આગલા સાત જન્મો બળીને ભસ્મ થયા હતા. તે જગ્યાઓ પર રાજા એ મૃગમુખીનાં નામથી કુંડ બનાવ્યો.

અને તેના પરથી આજનું પ્રખ્યાત નામ મૃગીકુંડ પડયું. એટલે જ આ ગિરનાર ના આ તીર્થ સાથે ભવનાથ મહાદેવ તથા મૃગીકુંડની કથાનું મહાત્મ્ય જોડાયેલું છે. માટે અહીં મહાશિવરાત્રિનાં લઘુ મહાકુંભમાંના પાંચ દિવસ દરમિયાન ભક્તિ અને શક્તિનો સુંદર સંગમ જોવા મળે છે.

ગિરનારની ગોદમાં મહાવદ નામનાં દિવસે શિવાલય ભવનાથનાં શિખરે બાવન ગજની ધજા ચડાવાય છે. ત્યારથી શિવરાત્રિનાં મહાકુંભનો પ્રારંભ થતો હોય છે. મહાશિવરાત્રિનાં પર્વ પર લાખો જન સમુદાય વચ્ચે નાગા સાધુબાવાઓનું સરઘસ, શાહી સવારી અને તેજરાત્રિએ ૧૨ વાગ્યાનાં ટકોરે મૃગી કુંડમાં સાધુ બાબાઓનું શાહી સ્નાન એ ભક્તિમય ઘટના ગણાય છે. આની પાછળ એક પૌરાણિક માન્યતા રહેલી છે, કે આ મૃગીકાંડનાં સાધુઓનાં સ્નાનની વચ્ચે બ્રહ્મા- વિષ્ણુ, મહેશ અને આદ્યગુરૃ દત્તાત્રેય ભગવાન પણ પધારે છે. જેમનાં દર્શન માત્રથી જન્મોજન્મનાં ફેરામાંથી મુક્તિ મળી જાય છે. મહાશિવરાત્રિની મધ્યરાત્રે નિરાકાર દેવ ગણાતાં શિવજી પણ આકારરૃપ ધારણ કરી જીવનાં મિલન માટે પૃથ્વી પર પધારે છે. એટલે જ ભવનાથનો આ મેળો જીવ અને શિવનાં મિલનનાં પ્રતીક સમાન ગણાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code